રાજકોટમાં સીટી બસે મારી PSIને ટક્કર, નિવૃત્તિના છ મહિના પહેલા જ મોતને ભેટ્યા, બે પુત્રોના માથેથી ચાલ્યો ગયો પિતાનો પડછાયો

રાજ્યમાં અકસ્માતના બનાવો હવે છાસવારે સામે આવવા લાગ્યા છે અને તેમાં પણ સીટીની અંદર સીટી બસની અડફેટે લેતા ઘણા લોકો ઘાયલ પણ થઇ રહ્યા છે ત્યારે હાલ ખબર રાજકોટમાંથી સામે આવી રહી છે, જ્યાં સીટી બસની અડફેટે એક પીએસઆઇનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચ.એ.આઘામનો બુધવારે સાપ્તાહિક ઓફ હોવાના કારણે કેટલાક કામ માટે તેમની પત્ની સાથે બહાર નિકળ્યા હતા.

ત્યારે જ આ દરમિયાન રસ્તામાં સિટી બસે તેમને ટક્કર મારી હતી. જેમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ.એ. આઘામ અને તેમની પત્ની અકસ્માતનો ભોગ બન્યા હતા. 58 વર્ષીય હસનભાઇ આમદભાઇ અઘામને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમના 55 વર્ષીય પત્નિ હસીનાબેન પણ ગંભીર રીતે ઘાયલ થતા 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં પીએસઆઇનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નિને પગમાં ત્રણ ફ્રેકચર આવવાના કારણે દાખલ કરવામાં આવ્યા હતાં.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મોચીનગર-૬ પેસીફીક આઇસ્ક્રીમ પાસે શિતલ પાર્ક રોડ પર રહેતાં હતા. તેઓ ગતરોજ સાંજે પોણા સાતેક વાગ્યે હેડકવાર્ટરમાં નોકરી પર જવા પોતાનું ટુવ્હીલર લઇને નીકળ્યા હતાં. તેમના પત્નિ હસીનાબેનને શાકભાજી લેવા જવાનું હોય તેઓ પણ સાથે બેઠા હતાં.

બન્ને શિતલપાર્ક રોડ ટ્રાફિક ટોઇંગ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યાં જ પાછળથી સીટી બસના ચાલકે અડફેટે લેતાં પતિ-પત્નિ બંને ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં 108 મારફત સિવિલમાં ખસેડાયા હતાં. જોકે હોસ્પિટલમાં પીએસઆઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. આથી બે પુત્રએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

પીએસઆઇને સંતાનોમાં બે પુત્રો છે, જેમાં નાનો દિકરો શબ્બીર એસઆરપીમાં છે. મોટા વસીમભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. બનાવ અંગે ગાંધીગ્રામના પીએસઆઇ પી. કે. ક્રિશ્ચીયને મૃત્યુ પામનારના પુત્ર વસીમભાઇ આઘમની ફરિયાદ પરથી સીટી બસના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

Niraj Patel