રાજકોટના ભાયાણી પરિવાર માથે તૂટી પડ્યો દુઃખોનો પહાડ, એક જ વર્ષમાં 4 લોકોનો કોરોનાએ લીધો ભોગ

કોરોનાએ ઘણા પરિવારોને વેર વિખેર કરી નાખ્યો છે. ઘણા લોકોએ પોતાના સ્નેહી સ્વજનોને ગુમાવ્યા છે તો ઘણા પરિવારો જ આ વાયરસની ભેટ ચઢી ચુક્યા છે. આવી જ આપવીતી રાજકોટના ભાયાણી પરિવારની છે. જેમને એક જ વર્ષમાં પરિવારના 6 સભ્યો ગુમાવ્યા છે.

ભાયાણી પરિવારના 4 સભ્યોને કોરોના ભરખી ગયો જયારે બાકીના એક સભ્યનું હાર્ટ એટેકે અને એક સભ્યનું કોરોનાના કારણે નિધન થવાના કારણે આ પરિવાર ઉપર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

રાજકોટ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે  રહેતા અને બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા 58 વર્ષીય કિશોરભાઇ નાનજીભાઇ ભાયાણીનું ગયા વર્ષે કેન્સરની બિમારીથી નિધન થયું હતું, હજુ આ પરિવાર તેમના શોકમાંથી બહાર આવ્યો નહોતો ત્યાં 8 વર્ષીય બા જયવંતાબેન નાનજીભાઇ ભાયાણીનું હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. પરિવારના બે સભ્યોના નિધનથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

પરંતુ આ પરિવાર ઉપર જાને કુદરત પોતાનો કહેર વર્તાવી રહી હોય તેમ જયવંતાબેનના બારમાના દિવસે પરિવારના વધુ એક આધારસ્તંભ એવા 54 વર્ષીય ઉમેદભાઇ નાનજીભાઇ ભાયાણીને કોરોના ભરખી ગયો હતો.

એટલું પણ પૂરતું નહોતું ત્યાં આ બનાવના છ દિવસ પછી કિશોરભાઇના 57 વર્ષીય પત્નિ ગં.સ્વ. ગીતાબેન ભાયાણી પણ કોરોનાની ચપેટમાં આવી ગયા અને તેમનું પણ નિધન થયું હતું. ત્યારબાદ પણ પરિવાર માથે જાને કોરોના કાળ બનીને આવ્યો હોય તેમ આ બનાવના પાંચ દિવસ બાદ ગાંધીનગર પરણાવેલી ભાયાણી પરિવારની 34 વર્ષીય દિકરી સ્વાતિબેન સમીરકુમાર બગથરીયાનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું.

પરિવારના પાંચ પાંચ સભ્યોના નિધાનમાંથી હજુ પરિવાર બેઠો થયો નહોતો ત્યાં કાળમુખા કોરોનાએ તેમને બીજી થપાટ મારી અને 20 એપ્રિલ 2021ના રોજ પરિવારનો એક માત્ર પુરુષ સભ્ય 31 વર્ષીય જીતેન કિશોરભાઈ ભાયાણીનું પણ કોરોનાના કારણે નિધન થયું હતું.

જીતેન તેની પાછળ એક બે વર્ષના પુત્ર અને પત્નીને નોધારા છોડીને ચાલ્યો ગયો. આમ એક જ વર્ષમાં આખો હર્યોભર્યો પરિવાર વેર વિખેર થઇ ગયો હતો.

Niraj Patel