દુઃખદ ઘટના: લક્ઝુરિયસ કાર કેનાલમાં ખાબકી ગઈ અને મિનિટોમાં 5 લોકો તડપી તડપીને મર્યા- જુઓ તસવીરો
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતોના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર કેટલાક લોકો મોતને ભેટે છે તો ઘણીવાર કેટલાક લોકોને ગંભીર ઇજાઓ થતી હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે, અકસ્માતના કારણે પરિવાર પણ વિખેરાઇ જતો હોય છે. હાલમાં જ અકસ્માતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કારની બસ સાથે ટક્કર બાદ કાર કેનાલમાં ડૂબી, જેમાં 5ના મોત થયા છે. પંજાબના રૂપનગરમાં સોમવારે એક ખાનગી બસ સાથે અથડાયા બાદ કાર ભાખરા કેનાલમાં પડી હતી. અકસ્માતમાં રાજસ્થાનના ડોક્ટર સહિત પરિવારના પાંચ સભ્યોના મોત થયા હતા.
મૃતકોમાં ડોક્ટરની પત્ની અને બાળકોનો સમાવેશ થાય છે. આ ચોંકાવનારી ઘટના ઘનૌલી નજીક અહેમદપુર પુલ પર બની હતી. રૂપનગર નજીક આવેલા પુલ પર ઓવરટેક કરતી વખતે ખાનગી બસે રાજસ્થાનના સીકરના ડો. સતીશ કુમાર પુનિયાની ક્રેટા કારને ટક્કર મારી હતી. અથડામણને કારણે કાબૂ ગુમાવતા કાર રેલિંગ તોડી કેનાલમાં ખાબકી હતી. પોલીસે હાઇડ્રા મશીનની મદદથી કારને કેનાલમાંથી બહાર કાઢી હતી. રાજસ્થાનના રિંગાસના સીએચસીમાં કામ કરતા ઓર્થોપેડિક સર્જન ડૉ. સતીશ કુમાર પુનિયા, તેમની પત્ની સરિતા પુનિયા, પુત્ર રાજા ઉર્ફે દક્ષ, ડૉ. પૂનિયાના સાળા રાજેશ દેવંદા અને રાજેશની પત્ની રીનાનું મોત થયું હતું.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર કેનાલમાં પડી તેના થોડા સમય બાદ મહિલાનું પર્સ પાણીની ઉપર આવી ગયું હતું. લોકોએ હિંમત ભેગી કરી પર્સ બહાર કાઢ્યું. પર્સ ખોલ્યું તો અંદરથી મહિલાનું ઓળખપત્ર મળ્યું. તે અનુસાર, રાજસ્થાનના સીકર જિલ્લાના બોરિયા ગામની સરિતા પુનિયાની પત્ની સતીશ કુમાર પુનિયા કારમાં સવાર હતા. હાલ તો પોલીસે બસને કબજે લીધી હતી. રીપોર્ટ અનુસાર, ડૉ. સતીશ પુનિયાની એક દીકરી અને રાજેશની બીજી દીકરી ગુમ છે.

કેનાલના પાણીમાં તે ડૂબી ગઇ હોવાની આશંકા છે. તેની શોધખોળ ચાલુ છે. ડૉ. સતીશ પુનિયા રાજસ્થાનના સીકરની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિસ્ટની પોસ્ટ પર હતા. આ ઘટના અંગે એસએચઓ વિજય કુમારે જણાવ્યું કે અકસ્માત અંગે કેસ નોંધવામાં આવ્યો છે. બસનો ચાલક બસ મુકીને સ્થળ પરથી નાસી ગયો હતો.