ટ્રેનના AC કોચની અંદર પડવા લાગ્યું વરસાદનું પાણી, વીડિયો જોઈને લોકો પણ બોલ્યા.. “આ તો મોનસુન એક્સપ્રેસ બની ગઈ…” જુઓ તમે પણ

રેલવેની ખુલી પોલ, વરસાદ પડતા જ ચાલુ ટ્રેનના AC કોચમાંથી વરસવા લાગ્યું પાણી, જોઈને લોકોએ માથું પકડી લીધું, તમે પણ જુઓ વીડિયો

Rain Water In Train : ટ્રેનની મુસાફરી લગભગ દરેક લોકોએ કરી હશે. મોટાભાગના લોકો ટ્રેનની સફર કરતા પહેલા પોતાની સીટ રિઝર્વ કરાવે છે. જેના કારણે તેમને કોઈ અગવડ ના પડે. પરંતુ જો ટિકિટ રિઝર્વ થયા બાદ પણ મુશ્કેલી આવે તો ? હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટ્રેનના એસી કોચમાં વરસાદનું પાણી વરસી રહ્યું છે.

આ ક્લિપ શેર કરતા યુઝરે દાવો કર્યો છે કે આ નજારો ‘મુંબઈ-ઈંદોર અવંતિકા એક્સપ્રેસ’ના સેકન્ડ એસી કોચનો છે. આ જ કારણ છે કે આ વીડિયો જોયા બાદ લોકો રેલવેની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોને ટ્વિટર યુઝર રણવિજય સિંહ (@ranvijaylive) દ્વારા 25 જૂને પોસ્ટ કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે “ભારતીય રેલવેમાં આપનું સ્વાગત છે.” 14 સેકન્ડની આ ક્લિપથી રેલવે તંત્ર પર સવાલો ઉભા થયા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સૌથી નીચેની સીટ પર બેઠો છે. પરંતુ કોચની છત પરથી આવતા પાણીના ફુવારાને કારણે તેનું આરામથી બેસવું મુશ્કેલ બની ગયું હતું. તે ત્યાં બેસીને પોતાને ભીના થવાથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગે છે.

સેકન્ડ એસી કોચ ટ્રેનનું પ્રીમિયમ ગણાય છે. હવે ટ્રેનની છતમાંથી વરસાદી પાણી લીક થવાના કારણે રેલવેની પોલ ખુલી છે. આ વીડિયોએ ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરોની વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ પ્રશાસન પર સવાલ ઉઠાવી રહ્યા છે. વાયરલ વીડિયોને 8 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો પણ કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel