રાજકોટમાંથી સામે આવી હૃદય કંપાવી દેનારી તસવીરો, પિતા 100 દિવસથી છે કોમામાં, દીકરી પપ્પાને ઉઠાડવા માટે જે કહે છે સાંભળીને આંખો ભીની થઇ જશે

જેના ઉપર આખો પરિવાર નભતો હતો તે પ્રોફેસર પિતા 4 મહિનાથી છે કોમામાં, ગર્ભવતી પત્નીએ દીકરાને જન્મ આપ્યો એ પણ ખબર નથી, આર્થિક તંગીમાં આવી ગયો પરિવાર

કોરોનાએ આખી દુનિયાના હાલ બેહાલ કરી નાખ્યા છે, ઘણા પરિવાર માથે તો એવા એવા સંકટ આવી પડ્યા છે જેને સાંભળીને જ આપણે હચમચી ઉઠીએ. ત્યારે હાલ રાજકોટમાંથી જે તસવીર સામે આવી છે તે જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. રાજકોટમાં છેલ્લા 4 મહિનાથી એક પિતા કોમામાં છે, દીકરી પિતાને ઉઠાવડાનો પ્રયત્ન કરી રહે છે અને દીકરો તેમના પેટ ઉપર રમ્યા કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયાને એપ્રિલ માસમાં કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેના બાદ તેમને બીજા દિવસે વેન્ટિલેટર ઉપર શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારથી જ તે કોમામાં ચાલ્યા ગયા છે. એ સમયે પ્રોફેસરની પત્ની ગર્ભવતી હોવાના કારણે તેમને પણ કઈ જણાવ્યું નહીં, પરંતુ લગ્નની વર્ષગાંઠ આવતા તે પતિને જોવા આવી હતી અને કોમામાં રહેલા પતિને જોઈને તેનું હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું હતું.

પતિ કોમામાં જ હતો એ દરમિયાન જ પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો. કોમામાં રહેલા પતિને એ વાતની પણ જાણ ના થઇ કે તેમની પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે કે દીકરીને. 2 મહિના હોસ્પિટલમાં પોતાની તમામ મૂડી ખર્ચી, સગાં-સંબંધીઓની પણ મદદ લીધી. સારવાર માટે ઉધાર નાણાં લીધાં છતાં કોઈ સુધારો ન જણાતાં 2 મહિનાથી ઘરે સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટ બહાર અને વિદેશમાંથી ડોકટરો પાસે પણ રાકેશભાઈની તબિયત અંગે સલાહ લેવામા આવી રહી છે તે છતાં પણ રાકેશભાઈની તબિયતમાં કોઈ સુધાર આવી રહ્યો નથી. 4 મહિનાથી તે સતત કોમામાં જ છે. આ દરમિયાન પરિવાર માથે આર્થિક સંકટ પણ આવી ગયો છે. રાકેશભાઈ જયારે કોમામાં નહોતા ત્યારે તે લોકોની ખુબ મદદ કરતા હતા પરંતુ આજે પરિવાર કોઈ પાસે મદદનો હાથ લંબાવતા પણ અચકાઈ રહ્યો છે.

અત્યાર સુધી રાકેશભાઈ જે કોલેજમાં નોકરી કરી રહ્યા હતા, ત્યાંથી પણ અડધો પગાર આવી રહ્યો હતો, પરંતુ આ મહિનાથી એ પગાર પણ બંધ થવાના કારણે પરિવાર માથે મોટું આર્થિક સંકટ આવી ગયું છે. હજુ પણ રાકેશભાઈ કોમામાંથી ક્યારે બહાર આવશે તે નક્કી નથી, જેના કારણે પરિવારની મુશ્કેલીઓ વધી છે.

માતા રોજ જમવા સમયે પુત્રને કહે છે, બેટા જમવા બેસી જા! 4 વર્ષની દીકરી પિતાથી દૂર નથી જતી અને કહે છે, પપ્પા હવે નહીં બોલો તો હું ક્યારેય નહીં બોલાવું. 3 મહિનાનો પુત્ર તેમના પેટ પર રમ્યા કરે છે. આ દૃશ્યો જોઈ પરિવાર આખો રોજ રડી પડે છે.

Niraj Patel