IPL 2024માં દિલ્હી કેપિટલ્સ ટીમનું પ્રદર્શન એટલું સારું નથી રહ્યું, ટીમને 5 મેચમાંથી માત્ર 1માં જ જીત મળી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે. પૃથ્વી શો આ સિઝનમાં ત્રણ મેચ રમ્યો છે. આ યુવા બેટ્સમેને મુંબઈ ઈન્ડિયન્સ સામે 66 રનની ઈનિંગ રમીને ફોર્મમાં પરત ફરવાના સંકેત દેખાડ્યા હતા. જો કે, IPL ટૂર્નામેન્ટ વચ્ચે પૃથ્વી શોએ પોતાના ફેન્સને એક મોટા સમાચાર આપ્યા છે.
ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુકેલા પૃથ્વીએ મુંબઈના બાંદ્રામાં એક ઘર ખરીદ્યું છે અને આની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પૃથ્વીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “આ ક્ષણ વિશે સપના જોવાથી લઈને તેને જીવવા સુધીની સફર વાસ્તવિક રહી છે. હું મારા સ્વર્ગનો ટુકડો મેળવવા માટે ખૂબ આભારી છું. સારા દિવસો આવવા દો.” પૃથ્વીનું ઘર મુંબઈના પોશ વિસ્તારમાં છે.
તેણે સી ફેસિંગ ઘર ખરીદ્યું છે. મુંબઈમાં આવું ઘર ખરીદવાનું લગભગ દરેકનું સપનું હોય છે. ક્રિકેટરે આ ઘર 10.5 કરોડ રૂપિયામાં ખરીદ્યું હોવાના અહેવાલ છે. 9 એપ્રિલ 2024ના રોજ પૃથ્વીએ ઇન્સ્ટાગ્રામ પર તેના નવા ઘરની કેટલીક તસવીરો પોસ્ટ કરી. પહેલી તસવીરમાં તેનું નિર્માણાધીન ઘર જોઇ શકાય છે, જ્યારે બીજી તસવીરોમાં તેનું ઘર તૈયાર થયેલુ જોઇ શકાય છે.
પૃથ્વીએ તેના ઘરને લક્ઝુરિયસ સોફા સાથે સુંદર રીતે સજાવ્યુ છે. ધ ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, પૃથ્વીએ એમજે શાહના ’81 Aureate Project’ના આઠમા માળે એક આલીશાન ઘર ખરીદવા માટે 10.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કરિયરની વાત કરીએ તો, પૃથ્વીએ 2018માં ભારત માટે તેની પ્રથમ મેચ રમી હતી. તે અત્યાર સુધી આઈપીએલમાં માત્ર દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો છે.
પૃથ્વી શૉ IPLમાં અત્યાર સુધી 74 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 1813 રન બનાવ્યા છે. તેની એવરેજ 24.5 અને સ્ટ્રાઈક રેટ 146.68 છે. પૃથ્વીએ 14 અડધી સદી ફટકારી છે. પૃથ્વી શોએ ભારત માટે 2018માં પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી. 2021માં તેણે ODI અને T20માં ડેબ્યૂ કર્યું હતું.
તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 23 જુલાઈ 2021ના રોજ રમી હતી. તે શ્રીલંકા સામેની વનડે મેચ હતી. ત્યારથી પૃથ્વી રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી શક્યો નથી. પૃથ્વીના નામે 5 ટેસ્ટમાં 339 રન છે. તેની એવરેજ 42.38 છે. પૃથ્વીએ 1 સદી ફટકારી છે. ODIમાં તેણે 6 મેચમાં 189 રન બનાવ્યા છે.