રાજકોટ : પોલીસ કોન્સ્ટેબલે 10માં માળેથી પડતું મૂકી કર્યો આપઘાત- પરિવાર આઘાતમાં

આપઘાત / રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે હેડ ક્વાર્ટરના 10માં માળેથી માર્યો કૂદકો !, થયું મોત, કારણ શું…

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં રાજકોટમાંથી આપઘાતની એક ઘટના સામે આવી છે. મવડી પોલીસ હેડ ક્વાર્ટરના 10માં માળેથી છલાંગ લગાવી પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવ બોરીસાગરે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, 23 વર્ષીય કોન્સટેબલ ભાર્ગવ બોરીસાગરે રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે બી બ્લોકમાં 10માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. ત્યારે દીકરાના આપઘાત બાદ પરિવાર આઘાતમાં છે. ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. મામલાની જાણ થતા પીઆઇ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બાદમાં મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કોન્સ્ટેબલના આપઘાતનું કારણ સામે આવ્યુ નથી, ત્યારે પોલીસે આપઘાત અંગેના કારણની દિશામાં તપાસ હાથ ધરી છે. જણાવી દઇએ કે, કોન્સ્ટેબલ ભાર્ગવ માતા-પિતાના એકના એક સંતાન હતા. તે રાજકોટ ગ્રામ્ય પોલીસમાં રીડર શાખામાં ફરજ બજાવતા હતા અને દોઢ મહિના પહેલા જ હજુ તો જેતપુરથી રાજકોટ બદલી થઇ હતી. એવું સામે આવ્યુ છે કે, પાંચ મહિના અગાઉ જ તેમના લગ્ન થયા હતા.

Shah Jina