48 ખેલાડીઓને નેશનલ ચેમ્પિયનશિપ રમવા માટે લઇ જઈ રહેલી ફલાઇટમાં પેસેન્જરે ખોલ્યો ઇમરજન્સી ગેટ, ડરના માર્યા 194 પેસેન્જરના જીવ તાળવે ચોંટ્યા… જુઓ વીડિયો
Plane door opening south korea : ફ્લાઇટની અંદર મુસાફરી કરવા માટેના કેટલાક ખહસ સૂચનો આપવામાં આવતા હોય છે, જેનું પેસેન્જરે પાલન પણ કરવું પડે છે. કારણ કે જયારે પ્લેનમાં કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે માણસોનાબચવાના કોઈ ચાન્સ રહેતા નથી. ત્યારે આપણા દ્વારા કરવામાં આવેલી એક ભૂલ પણ જીવલેણ સાબિત થઇ શકે છે.
હાલમાં જ એક એવી ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એશિયાના એરલાઇન્સ-A321 એરક્રાફ્ટનો એક દરવાજો ડેગુ એરપોર્ટ પર લેન્ડિંગના થોડા સમય પહેલા હવામાં ખુલ્યો. જોકે, પ્લેન સુરક્ષિત લેન્ડ થયું તે સારી વાત હતી. આ દરમિયાન કોઈ મુસાફર પ્લેનમાંથી નીચે પડ્યો ન હતો કે ગંભીર રીતે ઘાયલ થયો ન હતો.
વિમાનના લેન્ડિંગ બાદ નવ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એશિયાના એરલાઈન્સના અધિકારીએ CTGNને જણાવ્યું કે ઈમરજન્સી એક્ઝિટ ગેટ પાસે બેઠેલા એક વ્યક્તિએ દરવાજાના લીવરને સ્પર્શ કર્યો. તે જ સમયે, દરવાજાનું લિવર ખેંચવાની શંકાના આધારે પોલીસે 33 વર્ષીય વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.
માહિતી અનુસાર, જ્યારે શંકાસ્પદ વ્યક્તિએ એક્ઝિટ ગેટનું લિવર ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફ્લાઇટ એટેન્ડન્ટ્સ તેને રોકી શક્યા નહીં કારણ કે પ્લેન લેન્ડ થવાનું હતું. પોલીસે જણાવ્યું કે કસ્ટડીમાં લેવાયેલ વ્યક્તિ નશામાં ન હતો. તેણે આવું શા માટે કર્યું તેનો કોઈ જવાબ નથી આપી રહ્યો. એક પેસેન્જરના જણાવ્યા અનુસાર તે પ્લેનમાંથી કુદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક અધિકારીએ કહ્યું કે તેમની સાથે સામાન્ય વાતચીત કરવી મુશ્કેલ છે. અમે ગુનાના હેતુની તપાસ કરીશું અને તેને સજા અપાવીશું. પોલીસે જણાવ્યું કે તે એકલો મુસાફરી કરી રહ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે અકસ્માત થયો ત્યારે વિમાનમાં 194 મુસાફરો હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું કે જેજુ દ્વીપથી ટેકઓફ કર્યા પછી, વિમાન સિયોલથી 237 કિમી દક્ષિણપૂર્વમાં ડેગુ જઈ રહ્યું હતું, ત્યારે લગભગ 12:45 વાગ્યે એરક્રાફ્ટનો ગેટ ખુલ્યો. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે વિમાન જમીનથી લગભગ 250 મીટર ઉપર હતું.
Man arrested after opening door as plane prepared to land in South Korea, 9 people taken to hospital pic.twitter.com/auWDv1Z6au
— Pranjal Mishra 🇮🇳 (@Pranjal_Writes) May 26, 2023
અધિકારીઓએ જણાવ્યું કે કોઈપણ મુસાફરોની હાલત ગંભીર નથી, માહિતી અનુસાર, મુસાફરોમાં 48 પ્રાથમિક અને મધ્યમ શાળાના ખેલાડીઓ હતા. આ તમામ શનિવારે ઉલ્સાન શહેરમાં એક રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા હતા. એક એથ્લેટની માતાએ કહ્યું, “બાળકો ડરથી ધ્રૂજી રહ્યા હતા અને રડી રહ્યા હતા. એક્ઝિટ ગેટ પાસે બેઠેલા લોકોને સૌથી વધુ આઘાત લાગ્યો હશે.