એક અમીર બાપના દીકરાએ સ્ટ્રીટ ડોગને પોતાની કારથી મારી ટક્કર, શ્વાનનું થયું નિધન, અંતિમ સંસ્કારમાં સામેલ થયા સેંકડો લોકો, જુઓ વીડિયો

રસ્તા ઉપર ઘણા અકસ્માત થતા હોય છે, અને અકસ્માતની ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા હોય છે. ઘણા લોકો અકસ્માતમાં મોતને પણ ભેટે છે, ત્યારે આવા અકસ્માતના કેસ પણ પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. પરંતુ રસ્તા ઉપર રહેલા શ્વાનને જો અકસ્માત થાય તો તેમનું શું ? ત્યારે હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાની ઘણી ઘટનાઓ સામે આવે છે.

હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે માણસોને કારણે પ્રાણીઓને જીવ ગુમાવવો પડે છે. આવો જ એક કિસ્સો બેંગ્લોરના જયનગરમાં સામે આવ્યો છે. અહીં એક ધનવાન વ્યક્તિના દીકરાએ લારા નામની સ્ટ્રીટ ડોગને કાર વડે કચડી નાખી. તેના અંતિમ સંસ્કાર સુમનહલ્લી એનિમલ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સેંકડો પ્રાણી પ્રેમીઓએ હાજરી આપી હતી. નેતા અને ભૂતપૂર્વ અભિનેત્રી રામ્યા પણ શોક વ્યક્ત કરનારાઓમાં સામેલ હતી.23 વર્ષીય આરોપી એક ઉદ્યોગપતિનો પુત્ર છે અને રાજકીય પરિવારનો છે.

તેના પર રોડની બાજુમાં સૂઈ રહેલી લારાને લક્ઝરી ઓડી કારથી કચડી નાખવાનો આરોપ છે. કર્ણાટક પોલીસે આરોપી વિરુદ્ધ FIR નોંધી છે. તે જ દિવસે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રામ્યાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ઘટનાની નિંદા કરતા પોસ્ટ કરી છે. તેણે ટ્વીટમાં લખ્યું છે કે “તમે બધા જેઓ બદ્રી, સુધા, અદ્વૈત, પ્રિયા, ગાયત્રી ચાચી, સંજના અને લારાને પ્રેમ કરો છો અને તેમની સંભાળ રાખો છો તેઓ મને પ્રેરણા આપે છે. લડાઈ ચાલુ છે.”

લારાને અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.અંતિમયાત્રામાં શાળાના બાળકોએ પણ ભાગ લીધો હતો. તેમની પાસે પ્રાણીઓની ક્રૂરતાની ટીકા કરતા કાર્ડ હતા. આ ઉપરાંત લારાને બચ્ચા થયા પછી ખવડાવતી મહિલા પણ ત્યાં હાજર હતી. અંતિમ સંસ્કાર પહેલા શ્વાનને ફૂલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સામાન્ય લોકો અને પશુ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Niraj Patel