લો બોલો… દિવા નીચે જ અંધારું, મોરબીના નકલી ટોલબુથ કાંડમાં દિગ્ગજ પાટીદાર અગ્રણીના દીકરાની સંડોવણી આવી સામે, જુઓ

Involvement of Patidar Prominent’s Son in Fake Tolanaka : છેલ્લા બે ત્રણ દિવસથી મોરબીમાં ચાલતા ગેરકાયદેસરના ટોલનાકાને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આ નકલી ટોલનાકાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ત્યારે લોકોના મોઢા પર બસ એક જ વાત છે કે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું આ નકલી ટોલનાકું અત્યાર સુધી કેમ કોઈની નજરમાં ના આવ્યું ? અને એવા ક્યાં વગદારો તેને ચલાવતા હતા જેના કારણે કોઈ તેમની સામે બોલવાની હિંમત પણ નહોતું કરી રહ્યું. ત્યારે હવે આ મામલામાં પાટીદાર અગ્રણીના દીકરાની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

પાટીદાર અગ્રણીનો દીકરો સામેલ :

મોરબીના વાંકાનેરમાં ચાલતા આ બોગસ ટોલનાકા મામલે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વઘાસીયા ટોલનાકાના કર્મીઓએ ફરિયાદ ના કરતા ખુદ પોલીસ જ ફરિયાદી બની હતી. જેમાં પાટીદાર અગ્રણી જેરામ પટેલના દીકરા અમરીશ પટેલ સમેત રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા થઈને કુલ પાંચ લોકો સામે ગુન્હો નોંધાયો છે. તેમની સામે કલમ 384, 406, 420 મુજબ ગુના નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

કરોડો રૂપિયા કમાઈ લીધા :

તમને જણાવી દઈએ કે મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકું ધમધમતું હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં વઘાસીયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખીને આ ટોલનાકું ચલાવવામાં આવતું હતું. જેમાં દોઢ વર્ષથી અંદર કરોડોની કમાણી કરી લેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, બંધ સીરામીક ફેક્ટરીને ભાડે રાખી તેમાં ટોલનાકું ચલાવાતું અને ફોરવ્હીલના 50, નાના ટ્રકના 100 અને મોટા ટ્રકના 200 રૂપિયા વસુલવામાં આવતા હતા.

પોલીસે શરૂ કરી તપાસ :

આ કેસમાં સરકારે તત્કાળ તપાસના આદેશ આપ્યા છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે લાલા આંખ કરતા જણાવ્યુ છે કે, આ ઘટનામાં સંડોવાયેલા કોઇને પણ છોડવામાં આવશે નહીં. સૌથી હેરાનીની વાત તો એ છે કે  મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ગામ નજીક કાયદેસરનું પણ ટોલનાકુ છે પરંતુ બાજુમાં આ નકલી ટોલનાકુ ધમધમતું હતું. ત્યારે હાલ આ નકલી ટોલનાકાની ચર્ચાઓ ઠેર ઠેર ચાલી રહી છે. હવે એ જોવાનું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે.

Niraj Patel