સુરતના વનિતા વિશ્રામ મહિલા વિશ્વ વિદ્યાલય ખાતે તા.11 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ‘હુનર હાટ’ સુરતીઓના અદ્દભૂત પ્રતિસાદ સાથે પૂર્ણ થયો. 10 દિવસ લાંબા આ હુનર હાટમાં દેશભરમાંથી કારીગરો અને કારીગીરીના 300 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા, જેમાં 2 ફૂડ કોર્ટના 60 સ્ટોલનો સમાવેશ થાય છે.
ત્યારે સુરતમાં યોજાઈ રહેલા હુનર હાટના આ 34માં સંસ્કરણનું પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસના સૂરો સાથે સમાપન થયું. જેમાં પંકજ ઉધાસે પોતાની ગઝલોનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેને સાંભળીને સુરતવાસીઓ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા.
પંકજ ઉધાસે જીયે તો જીયે, ચિઠ્ઠી આયી હે,આહીંસ્તા, ચાંદી જેસા રંગ હે તેરા જેવી વિશ્વવિખ્યાત ગલઝો રજૂ કરી વાતાવરણને પણ મદહોશ બનાવી દીધું હતું. સ્ટેજ ઉપર આવતાની સાથે જ તેમને ચિઠ્ઠી આયી હે ગઝલ દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા.
જેના બાદ તેમને એક પછી એક ધમાકેદાર ગઝલો આપીને લોકોના હૈયા હળવા કરી દીધા હતા. પંકજ ઉધાસને સાંભળવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ટીવી અને મોબાઈલમાં પંકજ ઉધાસની ગઝલો ખુબ જ સાંભળવામાં આવે છે ત્યારે સુરતમાં પંકજ ઉધાસને રૂબરૂ સાંભળવાનો લ્હાવો ઘણા લોકોએ લીધો હતો.
પંકજ ઉધાસની ગાયિકી એવી હતી કે તેમના સૂરોના વરસાદમાં સુરતવાસીઓ તરબોળ બની ગયા હતા. “આહિસ્તા આહિસ્તા કીજે બાતે” અને “ના કજરે કી ધાર, ના મોતિયો કે હાર” જયારે તેમને રજૂ કર્યું ત્યારે કાર્યક્રમને એક અલગ ઊંચાઈ ઉપર પહોંચાડી દીધો હતો.
સુરત પધારેલ ગઝલ સમ્રાટ પંકજ ઉધાસે અંતમાં ગુજ્જુરોકસ સાથે ખાસ વાતચિત કરી હતી અને જણાવ્યું હતું કે હું સુરતમાં ઘણા વર્ષોથી આવું છું, અને કમાલ એ છે કે આ શહેરમાં હું જ્યારે પણ આવું છું મને આ શહેર નવું લાગે છે, શહેરના લોકો નવા લાગે છે અને લોકોમાં એટલો ઉત્સાહ છે કે સુરત આવતા જ એનર્જી વધી જાય છે.”
તેમને આગળ એમ પણ જણાવ્યું કે, “સુરત આવીને એટલી ઉર્જા વધી જાય છે કે એમ લાગે છે કે આવનારા સમયમાં અમે કામ કરવા માટે તૈયાર છીએ અને સુરત વાસીઓને બહુ જ બધો પ્રેમ. ગઝલકાર પંકજ ઉધાસને આ કર્યક્રમમાં તેમના એક ચાહકે તેમની એક સુંદર પેઇન્ટિંગ બનાવીને પણ ભેટમાં આપી હતી.”
પંકજ ઉધાસ પહેલા ‘જોગિયા ખલી બલી’ ફેમ સિંગર ભૂપિન્દર સિંહ ભૂપીએ ઘણા સારા ગીતો ગાઈને લોકોનું મનોરંજન કર્યું હતું. ભૂપીએ “સુબહ હો ને ના દે”, “સદ્દે નાલ રહો તો ઐશ કરોગે” અને “પગ ઘુંગરુ બંધ મીરા નાચી થી” જેવા આકર્ષક ગીતો ગાયા. લોકોએ પણ તેમના ખૂબ વખાણ કર્યા.
આ ઉપરાંત મુંબઈથી આવેલી ફીમેલ સિંગર મીનાક્ષી શ્રીવાસ્તવે પણ માઈક પર પોતાનો કમાલ બતાવ્યો. તેણે “છપ તિલક સબ છિની”, “આજી રૂઠ કર અબ કહાં જાયેગા” અને “ગલી મેં આજ ચાંદ નિકલા” જેવા ગીતો ગાયા.
આ ઉપરાંત પંકજ ઉધાસે આયોજક સમિતિના નિવેદન પર હુનર હાટમાં સ્વયંસેવક તરીકે સારી કામગીરી કરનાર વનિતા વિશ્રામ મહિલા વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થીનીઓને સ્ટેજ પર પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા.