Suzuki ના પૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું ખતરનાક બીમારીને કારણે થયુ નિધન

મનમોહન સિંહ પછી ફરી એક મોટી હસ્તીએ દુનિયાને કર્યું અલવિદા, જુઓ તસવીરો

સુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. કંપનીએ જાહેરાત કરી હતી કે 25 ડિસેમ્બરે લિમ્ફોમાના કારણે તેમનું નિધન થયું હતું. મેલિગ્નન્ટ લિમ્ફોમા એ એક પ્રકારનું કેન્સર છે જે શરીરની લસિકા તંત્ર (lymphatic system)માં થાય છે. લસિકા તંત્ર શરીરની પ્રતિરક્ષા જાળવવામાં અને ચેપ સામે લડવામાં મદદ કરે છે. આમાં લસિકા ગાંઠો, બરોળ, અસ્થિ મજ્જા અને થાઇમસનો સમાવેશ થાય છે.

ઓસામુ સુઝુકીને કંપનીના નેટવર્ક અને વિશ્વભરમાં પહોંચને વિસ્તારવા માટે યાદ કરવામાં આવશે. ભારતીય કંપની મારુતિ સાથે સુઝુકીની ભાગીદારી પણ તેમના કાર્યકાળ દરમિયાન થઈ હતી. ઓસામુ માત્સુદાનો જન્મ 30 જાન્યુઆરી 1930ના રોજ જાપાનના ગેરોમાં થયો હતો. 1958માં સુઝુકી પરિવારમાં લગ્ન કર્યા બાદ તેઓ આ બિઝનેસ ફેમિલીમાં જોડાયા હતા. તેમણે તેમની અટક સાથે પત્નીનું નામ જોડ્યુ અને અહીંથી સુઝુકી મોટર કોર્પોરેશનની પરિવર્તન યાત્રા શરૂ થઈ.

લગ્ન સમયે ઓસામુ બેંક કર્મચારી હતા. તેમણે શોકો સુઝુકી સાથે લગ્ન કર્યા હતા. શોકો 1909માં સ્થપાયેલી લૂમ મેન્યુફેક્ચરિંગ કંપની સુઝુકી મોટરના સંસ્થાપક મિચિયો સુઝુકીની પૌત્રી હતી. ઓસામુએ લગભગ 40 વર્ષ સુધી કંપનીનું નેતૃત્વ કર્યું. આ સમયગાળા દરમિયાન તેઓ બે વખત પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ સુઝુકી મોટરે ઉત્તર અમેરિકા અને યુરોપમાં તેનું નેટવર્ક વિસ્તારવા માટે જનરલ મોટર્સ અને ફોક્સવેગન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી.

આજે સુઝુકી ઓટોમોબાઈલ જગતમાં એક મોટું નામ બની ગયું છે. નાની કારથી લઈને SUV અને ટુ-વ્હીલર ઉદ્યોગમાં પણ પોતાના કાર્યકાળ દરમિયાન કંપનીના હિતમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. પરંતુ સૌથી મહત્વનો નિર્ણય 80ના દાયકામાં ભારતીય બજારમાં સુઝુકીની એન્ટ્રીનો હતો. સુઝુકી મોટર કોર્પોરેશને 1982માં મારુતિ ઉદ્યોગ પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી અને ભારતની સૌથી લોકપ્રિય કાર, મારુતિ 800 રજૂ કરી. આ કાર વર્ષ 1983માં લોન્ચ કરવામાં આવી હતી, જે ઘણા દાયકાઓથી દેશની સૌથી વધુ વેચાતી કાર રહી છે.

આજે મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની બની ગઈ છે. ઓસામુ સુઝુકીનો કાર્યકાળ પડકારોથી ભરેલો હતો. તેમણે જાપાનમાં ઈંધણ-ઈકોનોમી ટેસ્ટિંગ કૌભાંડનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમણે 2016માં સીઈઓ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમના કામના છેલ્લા વર્ષો દરમિયાન, તેમણે સલાહકારની ભૂમિકા ભજવી હતી.

Shah Jina