ગાંધીનગરમાં CID ક્રાઈમે BZ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. મહેસાણાના વિસનગરના દવાડા ગામમાંથી પકડાયેલો ઝાલા રૂ. 6000 કરોડના આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. પોલીસે તેની મિલકતો જપ્ત કરી લીધી છે અને તેના રિમાન્ડ દરમિયાન વધુ અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.મળતી માહિતી મુજબ સીઆઈડી ક્રાઈમે ભૂપેન્દ્ર ઝાલાના નજીકના લોકોના ફોન કોલ્સ ટ્રેસ કર્યા હતા.
કોલ ડિટેલ આધારે ઝાલા સુધી પહોંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ઝાલાના સામાજિક અને વ્યવસાયિક સંપર્કોની પણ તપાસ કરવામાં આવી હતી. આ પછી તે દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો.ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થતાં કરોડોના આ કૌભાંડમાં વધુ કડીઓ ખુલવાની શક્યતા છે. CIDની ટીમ શંકાસ્પદ સંપર્કો અને કૌભાંડ સાથે સંબંધિત અન્ય દસ્તાવેજો અને પુરાવા શોધી રહી છે.પોલીસથી બચવા માટે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્ર ઝાલા લોકેશન બદલી રહ્યો હતો.
સાબરકાંઠા, અરવલી સહિત ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પોલીસે દરડા પાડ્યા હતા. છેલ્લા એક મહિનાથી તે પોતાનું લોકેશન બદલતો રહ્યો. ધરપકડથી બચવા માટે ઝાલાએ ગુજરાત હાઈકોર્ટમાં અગ્રીમ જામીન માટે અરજી કરી હતી, પરંતુ ઝાલાને કોર્ટમાંથી રાહત મળી ન હતી. ભૂપેન્દ્રને કોણે આશ્રય આપ્યો અને આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા એજન્ટોની અટકાયત કરવામાં આવી ચુકી છે.
મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા એજન્ટોને મોંઘીદાટ કાર ગિફ્ટ કરતો હતો. આ વાહનો સીઆઈડી ક્રાઈમે જપ્ત કર્યા હતા. સીઆઈડી ક્રાઈમ દ્વારા આજે એટલેકે શનિવારે ભુપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન અનેક પુરાવા મળવાની શક્યતા છે.ગાંધીનગર CID ટીમનો આરોપ છે કે સમગ્ર કેસમાં ભૂપેન્દ્ર ઝાલાએ એકથી ત્રણ ગણા નાણાં આપીને અને સામાન્ય રોકાણ કરતાં વધુ વળતરની લાલચ આપીને રૂ.6000 કરોડનું કૌભાંડ આચર્યું છે.
સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર ઝાલા પાસે માત્ર સાબરકાંઠા માટે મની લેન્ડિંગ લાયસન્સ છે. જો કે, તેણે એજન્ટો નિમણૂક કર્યા અને સંપૂર્ણ નેટવર્ક બનાવ્યું.આ ઉપરાંત કેટલીક કંપનીઓ એવી પણ બની છે કે જેમાં કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાનગી વગર લોકો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ એજન્ટો દ્વારા કરવામાં આવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એમ પણ જણાવ્યું કે ભૂપેન્દ્ર ઝાલાએ પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની મિલકત બનાવી છે.
આ અંગે CID ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે આરોપી ઘણા સમયથી ફરાર હતો અમારી ટીમ તેને શોધી રહી હતી. મહેસાણાના વિસનગરના દવાડા ગામમાં બીઝેડ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા હોવાની CID ક્રાઈમને જાણ થઈ હતી.લોકોને અપીલ કરવામાં આવી છે કે જેમના પૈસા ફસાયા છે તેઓ પણ ફરિયાદ કરે. 95 કરોડ ચૂકવવા માટે આ કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. CID ક્રાઈમે આરોપીની મિલકત જપ્ત કરી છે. આરોપીઓને આશ્રય આપનાર ફાર્મ હાઉસ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પ્રારંભિક માહિતી અનુસાર, આ યોજના 2020 થી શરૂ કરવામાં આવી હતી.