દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, આ દરમિયાન સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણા બધા અનોખા લગ્નની તસવીરો અને વીડિયો પણ વાયરલ થતા હોય છે જેમાં કયારેક લગ્નના અનોખા રિવાજ તો ક્યારેક વર-કન્યાના એવા કારનામા જોવા મળે છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય.
હાલ દેશભરમાં એક લગ્ન ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે. આ લગ્ન એટલા માટે ખાસ હતા કારણ કે વરરાજા એક હતો અને કન્યાઓ બે. કન્યાઓ આ લગ્નમાં પોતાના બાળકને લઈને આવી હતી અને પ્રેમીએ તેની બંને પ્રેમિકાઓનો તેમના બાળકો સાથે સ્વીકાર કર્યો અને લગ્ન મંડપમાં ફેરા ફરી પ્રભુતામાં પગલાં પણ માંડ્યાં.
આ મામલો સામે આવ્યો છત્તીસગઢના કોંડાંગાવમાંથી. જ્યાં એક પ્રેમીએ પોતાની બે પ્રેમિકાઓ સાથે લગ્ન કર્યા. આશ્ચર્યની વાત એ છે કે લગ્ન પહેલા તેને બંનેથી એક-એક દીકરી છે. કોંડાગાંવના કેશકલના ઇરાગાંવના ઉમલા ગામમાં એક પ્રેમી-બે પ્રેમિકાના લગ્ન થયા હતા. બંને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા પછી ખુશ દેખાઈ રહેલા રાજન સિંહે કહ્યું કે તે બંને પત્નીઓને ખુશ રાખશે અને જીવનભર સાથ આપશે.
આ સમગ્ર મામલો ખૂબ જ રસપ્રદ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉમલા ગામના રાજન સિંહ સલામની સગાઈ નજીકના અડેંગા ગામની રહેવાસી દુર્ગેશ્વરી સાથે થઈ હતી. આ પછી તે રાજન સિંહના ઘરે રહેવા આવી. થોડા મહિના પછી તેણે એક પુત્રીને જન્મ આપ્યો. આ દરમિયાન રાજન સિંહને પણ આંવરી નિવાસી સન્નો બાઈ ગોટા સાથે પ્રેમ થઈ ગયો. બંને વચ્ચે સંબંધ હતો. ત્યારબાદ સન્નોએ પણ એક પુત્રીને જન્મ આપ્યો.
ગામમાં આ વાત વાયુવેગે પ્રસરી જતાં ચકચાર મચી ગઈ હતી. ત્રણેયના પરિવારજનોમાં પણ વાતો શરૂ થઈ. રાજન સિંહે બંને યુવતીના પરિવારજનો સાથે વાત કરી. આ પછી પંચાયતે બેસીને રાજન સિંહના લગ્નને બંને છોકરીઓ સાથે સંમતિ આપી. કોંડાગાંવ આદિવાસી સમાજના સોનુરામ માંડવીના જણાવ્યા અનુસાર, સમાજ અને પરિવારની સંમતિ બાદ 500-600 લોકોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા. બંને કન્યાઓ લગ્નમાં તેમની દીકરીઓને તેમના હાથમાં લઈને ઉભા હતા અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા.