દીકરીની માનતા પુરી કરવા માટે પગપાળા ચોટીલા જઈ રહ્યો હતો પરિવાર, અચાનક કાળ બનીને આવ્યું વાહન, દીકરી સાથે કાકાનો પણ ચાલ્યો ગયો જીવ

રાજકોટમાં હિટ એન્ડ રન : હે ભગવાન.. જે દીકરીની ચોટીલા માતાજીની માનતા પૂર્ણ કરવા માટે જઈ રહ્યો હતો પરિવાર, તે દીકરીને જ ભરખી ગયો કાળ

કહેવાય છે કે કાળ કોને ? ક્યારે અને ક્યાં ? ભરખી જાય એ કોઈને ખબર નથી હોતી, હાલ ઠેર ઠેર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં દીકરીની માનતા પુરી કરવા જતાં રાજકોટના મિયાત્રા પરિવારને કાળ ભરખી ગયો હતો. જેમાં જે દીકરીની માનતા પુરી કરવા જતા હતા તે 1 વર્ષની દીકરી અને કાકાનું મોત નીપજ્યું હતું. જેના કારણે સમગ્ર પરિવારમાં શોક વ્યાપે ગયો છે.

આ બાબતે પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર રાજકોટના આજીડેમ સર્કલ નજીક રહેતા મિયાત્રા પરિવાર ગઇકાલે સાંજના સમયે વરસાદે વિરામ લીધા બાદ  4 સભ્યો 6 વાગ્યા આસપાસ પગપાળા ચાલીને 1 વર્ષની દીકરીની માનતા પુરી કરવા માટે ઘરેથી નીકળ્યો હતો.  ત્યારે રાત્રિના લગભગ 1થી 1.30 વાગ્યાની આસપાસ રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા કુચીયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલકે પાછળથી પૂરપાટ ઝડપે આવી ટક્કર મારી મારી નાસી છૂટ્યો હતો.

આ દુઃખદ ઘટનાની અંદર 1 વર્ષની માસૂમ દીકરી નવ્યા અને તેના કાકા રવિભાઇ મિયાત્રાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેના માતા-પિતાને ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ બાબતે મોતને ભેટેલી નવ્યાના પિતાએ જણાવ્યું હતું કે, “મારે સંતાનમાં એક જ દીકરી હતી અને એ જ દીકરીની માનતા પુરી કરવા માટે ગઇકાલે સાંજે 6 વાગ્યે પગપાળા ચાલીને ચોટીલા માનતા પુરી કરવા જઇ રહ્યા હતા.”

તો ઘટનામાં ઇજગ્રસ્ત થયેલ નવ્યાની માતાના હાથમાં ગંભીર ઇજા પહોંચી છે અને તેના પિતાના માથામાં ગમ્ભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ લોહી લુહાણ હાલતમાં બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ નવ્યાના પિતાની હાલત સ્વસ્થ છે. પરંતુ આ દુઃખદ અકસ્માતની અંદર એકની એક વ્હાલસોયી દીકરીને ગુમાવી દેતા આખા પરિવારની અંદર શોકનો માહોલ વ્યાપી ગયો છે.

Niraj Patel