તેની કોઇ કિંમત નથી…23 વર્ષિય ભારતીય વિદ્યાર્થીની જાહ્નવીને કચડનાર અમેરિકાના પોલિસકર્મી સામે નહીં થાય કેસ

જોઈ લો મહાસત્તા એવા અમેરિકામાં ન્યાયના ધજાગરા…..ભારતીય વિદ્યાર્થીની જાહ્નવી કુંડલાને ટક્કર મારનાર અમેરિકી પોલિસકર્મી પર નહિ થાય કેસ, ના મળ્યા સબૂત- વાંચો આખી ઘટના

અમેરિકાના સિએટલમાં ગત વર્ષે 23 જાન્યુઆરીએ જાહ્નવી કુંડલા નામની ભારતીય વિદ્યાર્થીનીનું પોલીસ વાહન સાથે ટક્કર બાદ મોત થયું હતું, ત્યારે આ કિસ્સામાં સિએટલ પોલીસ વિભાગે એક વીડિયો જાહેર પણ કર્યો હતો, જેમાં એક પોલીસ અધિકારી વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો.

આ મામલે હવે સમાચાર છે કે કાર દ્વારા ટક્કર મારનાર પોલીસ અધિકારી સામે કોઈ ફોજદારી કેસ દાખલ કરવામાં નહીં આવે. પુરાવાના અભાવે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે કિંગ કાઉન્ટી અભિયોજક કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ કે તેઓ સિએટલ પોલીસ ઓફિસર કેવિન ડેવ સામે ફોજદારી કાર્યવાહી કરશે નહીં.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાહ્નવી કંડુલાનું મૃત્યુ હૃદયદ્રાવક છે અને કિંગ કાઉન્ટી સહિત સમગ્ર વિશ્વને અસર કરી છે. જણાવી દઈએ કે જે પોલીસ કારથી જાહ્નવીને ટક્કર વાગી હતી તેની સ્પીડ 119 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી, આ કારે રોડ ક્રોસ કરી રહેલી જાહ્નવીને ટક્કર મારી અને પટકાવાને કારણે તેનું મોત નિપજ્યુ.

અકસ્માત બાદ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જાહ્નવીના મોતની પોલીસ અધિકારીઓ મજાક ઉડાવતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે તેના જીવનની કોઈ કિંમત નથી, શી ઈઝ ડેડ. આટલું કહ્યા બાદ તે પોલિસ કર્મી હસી રહ્યો હતો. આ પછી તેણે એમ પણ કહ્યુ કે બસ 11,000 ડૉલરનો ચેક લખો. આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો.

Shah Jina