છેલ્લા કેટલાક સમયથી ઘણા અભિનેતાઓના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ રજનીકાંતની દીકરી એશ્વર્યા અને જમાઇ તેમજ સાઉથ સુપરસ્ટાર ધનુષના છૂટાછેડાની ખબરો આવી હતી અને હવે તે બાદ વધુ એક અભિનેતાના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા છે. ટીવીની ઐતિહાસિક સીરિયલ ‘મહાભારત’માં કૃષ્ણનું પાત્ર ભજવનાર અભિનેતા નીતિશ ભારદ્વાજ 12 વર્ષ બાદ પત્ની સ્મિતા ગેટ ચંદ્રાથી અલગ થઈ ગયા છે. તેમની પત્ની વ્યવસાયે IAS ઓફિસર છે. સપ્ટેમ્બર 2019માં આ કપલનો સંબંધ તૂટી ગયો હતો. જો કે નીતીશ ભારદ્વાજે 2 વર્ષ બાદ આ મામલે મૌન તોડ્યું છે.
તેમની બે જોડિયા દીકરીઓ છે, જે માતા સ્મિતા સાથે ઇન્દોરમાં રહે છે. હાલમાં જ બીટીને આપેલા એક ઈન્ટરવ્યુમાં નીતિશ ભારદ્વાજે પત્ની સ્મિતા સાથેના અલગ થવાનો ખુલાસો કર્યો હતો. ઈન્ટરવ્યુ દરમિયાન નીતિશ ભારદ્વાજે કહ્યું- મેં સપ્ટેમ્બર 2019માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. હું એવા સંજોગોમાં જવા માંગતો નથી કે જેમાં અમે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. હાલ મામલો કોર્ટમાં છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે છૂટાછેડા મોત કરતાં વધુ પીડાદાયક છે, ખાસ કરીને જ્યારે તમે પોતે ખાલીપણામાં જીવી રહ્યા હોવ. લગ્નના સંબંધો અંગે નીતિશ ભારદ્વાજે કહ્યું- હું લગ્નમાં માનું છું, પરંતુ આ બાબતમાં હું નસીબદાર નથી. સાચું કહું તો લગ્ન તૂટવાના ઘણા કારણો હોઈ શકે છે.
તેમણે આગળ કહ્યુ- કેટલીકવાર તમે તમારા જીવનસાથીના વલણ સાથે તાલમેલ બનાવી શકતા નથી, તો ક્યારેક અન્ય વસ્તુઓ પણ થાય છે. ક્યારેક અહંકાર સામે આવે છે અને ક્યારેક તમારા વિચારો મેળ ખાતા નથી. પરંતુ જ્યારે પણ કોઈ સંબંધ તૂટે છે ત્યારે સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે અને તેના માટે માતા-પિતા જવાબદાર હોય છે.
ઉલ્લેખનીય છે કે નીતિશ ભારદ્વાજના પહેલા લગ્ન 1991માં મોનિષા પાટિલ સાથે થયા હતા. તેમને બે બાળકો છે. એક પુત્ર અને એક પુત્રી. જો કે, આ સંબંધ વર્ષો પછી તૂટી ગયો અને 2005માં બંનેએ છૂટાછેડા લીધા. આ પછી નીતીશે 2009માં 1992 બેચની IAS ઓફિસર સ્મિતા ગેટે સાથે લગ્ન કર્યા, આ લગ્નથી પણ તેમને બે દીકરીઓ છે. પરંતુ હવે આ સંબંધનો પણ અંત આવી ગયો છે.
જયારે તેમને એવો સવાલ કરવામાં આવ્યો કે તેમની જોડિયા પુત્રીઓ સાથે વાતચીત છે? આ સવાલ પર નીતીશ ભારદ્વાજે કહ્યું કે મને હવે વાત કરવાની કે મળવાની આઝાદી છે કે નહીં તે અંગે હું કંઈ કહેવા માંગતો નથી. જોકે, સંબંધ તૂટવાને લઈને જ્યારે સ્મિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.