યુક્રેનમાં જીવ ગુમાવનાર નવીનના પિતાનું છલકાયુ દર્દ, કહ્યુ- 97% આવ્યા હોવા છત્તાં પણ મેડિકલ સીટ ન મેળવી શક્યો દીકરો, જાતિવાદના કારણે…

યુક્રેનના ખાર્કિવ શહેરમાં ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પા રશિયન ગોળીબારમાં માર્યા ગયા હતા. નવીનનો પરિવાર દીકરાની મોતથી ઘેરા શોકમાં છે. કર્ણાટકના હાવેરી જિલ્લાના મેડિકલ સ્ટુડન્ટ નવીન પાસે ખાવાનું ખતમ થઈ ગયું હતું અને તે કંઈક ખરીદવા બહાર ગયો હતો. અચાનક તે ખાર્કિવના ફ્રીડમ સ્ક્વેર પર રશિયન રોકેટ હુમલાનો શિકાર બન્યો. આ દરમિયાન નવીનના પિતા શેખરપ્પા જ્ઞાનેગૌડાએ દેશની શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. શેખરપ્પા કહે છે કે ટોપર હોવા છતાં નવીનને સરકારી મેડિકલ કોલેજમાં સીટ ન મળી શકી.

નવીનના પિતા શેખરપ્પાએ અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, ‘અમે અમારા પુત્ર માટે સપના જોતા હતા. હવે તે બધા તૂટી ગયા છે. મેં મારા પુત્રને MBBS ભણવા માટે મજબૂરીમાં યુક્રેન મોકલ્યો હતો, કારણ કે SSLC અને PUC પરીક્ષામાં ટોપર હોવા છતાં તેને સરકારી મેડિકલ કોલેજમાં સીટ ન મળી શકી. ગયા અઠવાડિયે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ નવીને એક બંકરમાં આશ્રય લીધો હતો. પરિવારના જણાવ્યા મુજબ, નવીન દિવસમાં પાંચથી છ વખત ફોન કરીને તેની સ્થિતિ જણાવતો હતો.

નવીનના પિતા આઘાતમાં છે. તેમણે કહ્યું, ‘તેને ખાનગી મેડિકલ કોલેજમાં ભણાવવા માટે મારે 85 લાખથી એક કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હોત. ત્યારે જ મેં તેને અભ્યાસ માટે યુક્રેન મોકલવાનું નક્કી કર્યું. પરંતુ તે વધુ મોંઘુ સાબિત થયુ. નવીનના પિતાએ તેને યુક્રેન મોકલવા માટે તેના મિત્રો અને સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લીધા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું, ‘શિક્ષણ પ્રણાલી અને જાતિવાદના કારણે આશાસ્પદ હોવા છતાં નવીનને બેઠક મળી શકી નહિ. હું આપણી રાજકીય વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને જાતિવાદથી નિરાશ છું. બધું ખાનગી સંસ્થાઓના હાથમાં છે.

નવીન કેટલાક મિત્રો સાથે એપાર્ટમેન્ટમાં રહેતો હતો. નવીનના મિત્ર અમિતનું કહેવું છે કે સ્થાનિક સમય મુજબ સવારે છ વાગ્યે નવીન બંકરમાંથી નીકળીને સિટી સેન્ટર ગયો હતો. તે દર્દનાક દ્રશ્યને સંભળાવતા અમિત કહે છે, ‘સવારે 7.58 વાગ્યે નવીને તેના એક મિત્રને ફોન વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું. તે પછી સવારે 8.10 વાગ્યે અમને ફોન આવ્યો કે તે હવે આ દુનિયામાં નથી. અમિતે વધુમાં કહ્યું કે અમે ચાર દિવસથી બંકરમાં આશરો લઈ રહ્યા હતા. નવીનના મોટા ભાઈ હર્ષ, જેઓ બેંગ્લોરમાં પીએચડી કરી રહ્યા છે, તે કહે છે, જૂનમાં, તે આઠમા સેમેસ્ટરની પરીક્ષા આપવાનો હતો.

Shah Jina