એર ઇન્ડિયાની મહિલા પાયલટની બાથરૂમમાં મોત, ગેસ ગીઝરથી 10 દિવસમાં ગયો બીજો જીવ !

ગેસ ગીઝર વાપરતા હોવ તો ચેતી જજો…મહિલા પાયલટનું બાથરૂમમાં થયું દુનિયાનું સૌથી દર્દનાક મૃત્યુ

ઘણીવાર દેશમાંથી એવા એવા મોતના કિસ્સા સામે આવતા હોય છે કે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ. ઘણીવાર ઘરમાં ગેસ ગિઝર હોવાને કારણે પણ અકસ્માત થતા રહે છે. ગત સોમવારના રોજ એર ઇન્ડિયાના પાયલટનું બાથરૂમાં મોત થયુ હતુ. આ કિસ્સો નાસિકનો છે. મહિલા પાયલોટ રશ્મિ મુંડે નાસિકમાં તેના મામાના ઘરે આવી હતી.

સાંજે સાત વાગ્યા આસપાસ તે બાથરૂમમાં ન્હાવા ગઇ હતી અને ઘણો સમય વીત્યા બાદ પણ તે બહાર ના આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળતા તેઓએ દરવાજો તોડ્યો જ્યાં રશ્મિ બેભાન હાલતમાં મળી આવી હતી. તેને એ જ હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જયાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. એવી આશંકા છે કે રશ્મિનું મોત શ્વાસ રૂંધાવાને કારણે થયું છે.

નાસિક પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે મોત ગેસ ગીઝરના કારણે થયું છે કે નહીં ? નાસિકમાં છેલ્લા 10 દિવસમાં બાથરૂમમાં બે મહિલાઓના મોત થયા છે. આશંકા છે કે બંનેના મોત ગેસ ગીઝરમાંથી ગેસના કારણે થયા છે. પોસ્ટમોર્ટમ બાદ પ્રશાસનને જાણવા મળ્યું કે મોતનું કારણ શ્વાસ રૂંધાવાથી છે. બંને કેસમાં મોતનું કારણ વધુ વિગતવાર જાણવા માટે, બીજા રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જેમાં એક મહિનાનો સમય લાગી શકે છે.

રશ્મિના મોતના 10 દિવસ પહેલા એક મહિલા જેનું નામ સાક્ષી જાધવ હતુ, તેનું પણ નાસિકના જેલ રોડ વિસ્તારમાં બાથરૂમમાં મોત થયું હતું. બાથરૂમમાં ન્હાતી વખતે ગેસ ગીઝર ચલાવતા ગૂંગળામણથી તેનું મોત થયું હતું. સાક્ષી નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી. લાંબા સમય બાદ પણ તે બહાર ન આવતાં પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડ્યો હતો, તે બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડેલી મળી આવી હતી. તે સમયે બાથરૂમમાં ગેસની વાસ આવી રહી હતી. તેને સારવાર માટે જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

પ્રતિકાત્મક તસવીર

જાધવ પરિવારમાં સાક્ષી એકમાત્ર દીકરી હતી. આ મામલે જિલ્લા સર્જન અશોક થોરાટનું કહેવું છે કે બંને કેસમાં વિસરાને વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ નિષ્કર્ષ પર આવશે. જો કે, જિલ્લા સર્જન અશોક થોરાટ ગેસ ગીઝરમાંથી ગેસના કારણે મોતની શક્યતાને યોગ્ય માને છે. તેઓ કહે છે કે ગેસ ગીઝરમાં હવાનું પરિભ્રમણ હોવું જોઈએ કારણ કે ગેસ ગીઝર કાર્બન ડાયોક્સાઈડને બદલે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે ચક્કર, બેહોશ અથવા ગૂંગળામણનું કારણ બની શકે છે.

Shah Jina