ખબર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરી એકવાર થઇ વાહ વાહ… 90 વર્ષની મહિલા આગળ થયા નતમસ્તક, જુઓ કોણ છે આ મહિલા ?

પ્રધાનમંત્રી મોદી દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ એક મોટું નામ બની ગયા છે, તેમની લોકપ્રિયતા કેટલા હદ સુધી વિસ્તરી છે તે આપણે બધા જ જાણીએ છીએ. ઘણીવાર પીએમ મોદી એવા એવા કામ કરતા હોય છે જેના કારણે લોકોમાં પણ તેમની વાહ વાહ થતી હોય છે. હાલ એવી જ કેટલીક તસવીરો સામે આવી છે જેમાં પીએમ મોદી એક મહિલા સામે નતમસ્તક થતા જોવા મળી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર ખૂબ જ સક્રિય રહે છે. અવારનવાર તેમની ટ્વિટ કરેલી તસવીરો ચર્ચાનો વિષય બની જાય છે. શુક્રવારે પણ પીએમ મોદીએ કેટલીક એવી તસવીરો ટ્વીટ કરી હતી, જેના વિશે ચર્ચા શરૂ થઈ હતી. આ તસવીરોમાં પીએમ એક વૃદ્ધ મહિલાની સામે આદરપૂર્વક ઝૂકી રહ્યા છે. આ મહિલા એટલે શ્રીમતી ઉમા સચદેવ. 90 વર્ષીય ઉમા સચદેવનું સેના સાથે ખૂબ જ નજીકનું જોડાણ છે. તેમના પતિ રિટાયર્ડ કર્નલ એચકે સચદેવ સેનામાં રહી ચૂક્યા છે. સાથે જ તેમનો ભત્રીજો આર્મી ચીફ રહી ચૂક્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર પર ઉમા સચદેવને મળવા અંગે લખ્યું છે. તેમણે લખ્યું કે આજે ઉમા સચદેવજી સાથેની મુલાકાત ખૂબ જ યાદગાર રહી. 90 વર્ષની ઉંમરે પણ તે ઉત્સાહ અને આશાવાદથી ભરેલી છે. પીએમ મોદીએ આગળ લખ્યું કે તેમના પતિ રિટાયર્ડ કર્નલ એચકે સચદેવ સેનાના આદરણીય વ્યક્તિત્વ રહ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે ઉમા સચદેવે મને તેમના સ્વર્ગસ્થ પતિ દ્વારા લખેલા ત્રણ પુસ્તકો આપ્યા છે. તેમણે કહ્યું કે આમાંથી બે ગીતા સાથે સંબંધિત છે. ત્રીજું ‘બ્લડ એન્ડ ટીયર્સ’ ભાગલા દરમિયાનના તેમના અનુભવો અને જીવન પર તેની અસરનું દસ્તાવેજીકરણ કરે છે.

આ દરમિયાન ઉમા સચદેવ સાથે શું થયું તેનો પણ તેમણે ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે 14મી ઓગસ્ટે વિભાજનની દુર્ઘટનાને સ્મારક દિવસ તરીકે ઉજવવાના નિર્ણય પર તેમણે ઉમા સચદેવ સાથે પણ વાત કરી હતી. જણાવી દઈએ કે ઉમા સચદેવના પતિ કર્નલ એચકે સચદેવ સેનામાં સન્માનિત અધિકારી હતા. તે જ સમયે, ભૂતપૂર્વ સેના પ્રમુખ જનરલ વેદ પ્રકાશ મલિક ઉમા સચદેવના ભત્રીજા છે. વીપી મલિક 19મા આર્મી ચીફ હતા અને તેઓ કારગિલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ હતા.