શોભિતાના લગ્નને વર્ષ પણ નથી થયુ કે નાગાર્જુનના ઘરમાં આવી ગઇ નવી વહુ…નાના દીકરાએ કર્યા પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન
ઝૈનબ રાવદજી સાથે લગ્નના બંધનમાં બંધાયો અખિલ અક્કિનેની, લગ્નની તસવીરો આવી સામે- જાણો કોણ છે શોભિતા ધુલિપાલાની દેરાણી
સાઉથ સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુને જે સ્ટારડમ હાંસિલ કર્યુ તે તેમના બે પુત્રો નાગા ચૈતન્ય અને અખિલ અક્કીનેની નથી મેળવી શક્યા. જો કે બંનેની લોકપ્રિયતા કોઈ મોટા સ્ટારથી ઓછી નથી. નાગા ચૈતન્યના લગ્ન પછી હવે અખિલ અક્કીનેની પણ પરણી ગયો. નાગા ચૈતન્યના નાના ભાઈ અને નાગાર્જુનના નાના દીકરા અખિલ અક્કીનેનીએ ઝૈનબ રાવદજી સાથે લગ્ન કર્યા. ઝૈનબ અખિલ કરતા 9 વર્ષ મોટી છે. અખિલના પિતા અને સુપરસ્ટાર નાગાર્જુને લગ્નની તસવીરો શેર કરી માહિતી આપી કે અખિલ અને ઝૈનબના લગ્ન શુક્રવારે થયા હતા. તેમણે સુંદર પુત્રવધૂનું ભવ્ય રીતે સ્વાગત કર્યું.
નાગાર્જુને સોશિયલ મીડિયા પર લગ્નની ઘણી તસવીરો શેર કરી અને નવી વહુ ઝૈનબ રાવદજીના નામે એક પોસ્ટ લખી. નાગાર્જુને લખ્યું, “અમાલા અને મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારા પ્રિય દીકરાએ તેની પ્રિય ઝૈનબ સાથે અમારા ઘરે એક સુંદર સમારોહ (સવારે 3:35 વાગ્યે) માં લગ્ન કર્યા, જ્યાં અમારુ દિલ રહે છે.” નાગાર્જુને આગળ લખ્યું, “અમે પ્રેમ, હાસ્ય અને અમારા પ્રિય લોકોથી ઘેરાયેલું એક સ્વપ્ન સાકાર થતું જોયું. અમે તમારા આશીર્વાદ માંગીએ છીએ કારણ કે તેઓ આ નવી સફર એકસાથે શરૂ કરે છે. પ્રેમ અને કૃતજ્ઞતા. #અનંત પ્રેમ, બ્લેસ્ડ, નવી શરૂઆત.”
નાગાર્જુન દ્વારા શેર કરાયેલી એક તસવીરમાં અખિલ અક્કીનેની ઝૈનબને મંગળસૂત્ર પહેરાવતો જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં, તે હાથ પકડીને ફેરા ફરતો જોવા મળે છે. એક તસવીરમાં તે અને તેની પત્ની વહુ-દીકરા સાથે પોઝ આપી રહ્યા છે. ઝૈનબ રાવજી અને અખિલ અક્કીનેનીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાગા ચૈતન્યએ પણ તેના નાના ભાઈને લગ્નની શુભેચ્છા પાઠવી અને લગ્ન દરમિયાનનો એક ફેમીલી ફોટો શેર કર્યો. આ તસવીરમાં નાગા, તેની પત્ની શોભિતા ધુલિપાલા અને તેના માતા-પિતા ભાઇ અખિલ અને તેની પત્ની ઝૈનબ જોવા મળે છે.
તેણે લખ્યું, “નવા પરણિત યુગલને અભિનંદન, પ્રિય ઝૈનબ પરિવારમાં આપનું સ્વાગત છે.” નાગાર્જુનના મોટા દીકરા નાગા ચૈતન્યના લગ્ન 4 ડિસેમ્બર 2024 ના રોજ શોભિતા ધુલિપાલા સાથે થયા હતા. સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા બાદ નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે. શોભિતા નાગાર્જુન પરિવારની મોટી વહુ બની, હવે તેમના લગ્નને એક વર્ષ પણ થયું નથી કે ઘરમાં નવી વહુની એન્ટ્રી થઇ છે. અખિલના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ તેની પત્નીની સુંદરતાના દરેક વ્યક્તિ ચાહક બની ગયા છે. બંનેએ હૈદરાબાદમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા.
ઝૈનબ પરંપરાગત સાઉથ ઇન્ડિયન દુલ્હન બની હતી, તેણે કાંજીવરમ સાડી પહેરી હતી. આ ઉપરાંત ઘરેણા પણ પહેર્યા હતા. ઝૈનબની સાડીને સોનેરી બોર્ડરથી શણગારવામાં આવી હતી અને નીચેના ભાગમાં બુટીઓ જેવી ડિઝાઇન બનાવવામાં આવી હતી. આનાથી સાદી સાડીમાં ગ્રેસ ઉમેરાયો અને ક્લાસી વાઇબ્સ આપ્યા. સાડીને પ્લીટ્સ બનાવીને યોગ્ય દક્ષિણ ભારતીય શૈલીમાં ડ્રેપ કરી. આ સાડી સાથે તેણે ગોલ્ડન હાફ સ્લીવ બ્લાઉઝ પહેર્યો હતો. ઝૈનબે હીરાના ઘરેણાં પહેર્યા હતા. પછી ભલે તે તેનો સ્ટેટમેન્ટ નેકલેસ હોય કે લેયર્ડ નેકલેસ, માથા પટ્ટી, ચેઈન ઈયરિંગ્સ, નથ અને ડાયમંડ સ્ટડેડ બ્રેસલેટ, બધું જ પરફેક્ટ લાગતું હતું. તેનો કમરબંધ પણ ખૂબ જ અદ્ભૂત હતો.
જ્યારે અખિલે સફેદ કુર્તો અને ધોતી પહેરી હતી. એવી માહિતી છે કે કપલનું વેડિંગ રિસેપ્શન 8 જૂને હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ સ્થિત અન્નપૂર્ણા સ્ટુડિયોમાં યોજાશે. જણાવી દઇએ કે ગયા વર્ષે જ અખિલ અને ઝૈનબની સગાઈ થઈ હતી. તે દરમિયાન અખિલે ઇન્સ્ટાગ્રામ પર સગાઈની તસવીરો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘મને મારી હંમેશા માટે મળી ગઈ. મને જણાવતા આનંદ થાય છે કે ઝૈનબ અને મારી સગાઈ થઈ ગઈ છે.’ એવું કહેવામાં આવી રહ્યું છે કે સગાઈ પહેલા આ કપલે લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. હવે જ્યારે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે, ત્યારે તેમના ચાહકો તે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે આ કપલ સોશિયલ મીડિયા પર તેમના લગ્નની પહેલી સત્તાવાર તસવીર શેર કરશે.
અખિલના લગ્ન પછી દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ઝૈનબ કોણ છે અને તે શું કરે છે. ઝૈનબ રાવદજી જાણીતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઝુલ્ફી રાવદજીની દીકરી છે. તે કથિત રીતે કંસ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવામાં વ્યસ્ત હોવાનું કહેવાય છે. ઝૈનબના ભાઈ ઝૈન રાવદજી ZR રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. ઝૈનબે પોતાનું જીવન ભારત, દુબઈ અને લંડન વચ્ચે વિતાવ્યું છે. મૂળ હૈદરાબાદની ઝૈનબ હાલમાં મુંબઈમાં રહે છે.