કોરોનાથી સાજા થયેલા લોકોએ વધારે ખુશ થવાની જરૂર નથી, ગુજરાતમાં હવે આ નવી બીમારી કોરોનાથી સાજા થયેલા લોકોને લઇ રહી છે ચપેટમાં

કોરોના સંક્રમણના કારણે લાખો લોકો શિકાર બની ગયા છે. ઘણા લોકો આ વાયરસની ચપેટમાં આવીને પોતાનો જીવ પણ ખોઈ બેઠા છે. આપણી આસપાસ પણ ઘણા લોકો કોરોના સંક્રમિત થયેલા હશે. કોરોના સંક્રમણથી સાજા થતા જ આપણે ખુશ થઇ જઈએ છીએ, પરંતુ આ ખુશી તકલીફમાં પણ ફેરવાઈ શકે છે.

કારણ કે કોરોનાથી સાજા થયેલા લોકોમાં એક નવી બીમારીએ હવે પગ પેસારો કર્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) બીમારી જોવા મળી રહી છે. અત્યાર સુધી 44 દર્દીઓ સામે આવ્યા છે. આ બીમારીથી સિવિલમાં અંદાજે 20 ટકા દર્દીઓ એટલે કુલ 9 દર્દીઓના મોત પણ થઇ ચુક્યા છે.

આ રોગ મ્યુકરમાઈસીટીઝ નામની ફૂગથી ફેલાય છે જે હવામાનમાં હોય છે. આમ તો દરેક માનવના શરીરમાં તે પ્રવેશતી હોય છે પરંતુ, શરીરની રોગપ્રતિકારક શક્તિ તેનો નાશ કરે છે જ્યારે જેની ઈમ્યુનિટી ઘટી ગઈ હોય તેને આ રોગની શક્યતા વધુ છે.

ત્યારે આ બીમારી વિશે વધુ જાણકારી આપતા ENT વિભાગના હેડ ડૉ. ઈલા ઉપાધ્યાય જણાવે છે કે, કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે.

આ રોગથી બચવા માટે તબીબો દ્વારા સલાહ આપવામાં આવી છે કે તેના માટે તમારે ઈમ્યુનિટી મજબૂત બનાવવી,નાસ, હળદર, પ્રાણાયામ, આરોગ્યપ્રદ સાદો ખોરાક જેવા ઉપાયો કરવા અને નાક-ગળાની હાઈજેનિક કન્ડીશન જાળવવી.

Niraj Patel