મોરબી : સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા નવ દંપતિ, અચાનક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર કેનાલમાં ખાબકી

ગુજરાત રાજયમાંથી ઘણીવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલાક લોકો અથવા તો આખો પરિવાર અકસ્માતનો ભોગ બનતો હોય છે. હાલ પણ આવો જ એક કિસ્સો ગુજરાતના મોરબી જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં એક કપલનું મોત થઇ ગયુ છે. મોરબીના હળવદના અજીતગઢ પાસે નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલમાં કાર ખાબકી હતી અને ઉત્તરાયણના તહેવાર દરમિયાન જ દુખદ ઘટના બની હતી. કાર કેનાલમાં ખાબકતા પતિ અને પત્નીનું મોત નિપજ્યુ હતુ. હળવદના અજીતગઢથી માળિયા જતી કેનાલમાં ઘાટીલા ગામ નજીક કેનાલમાં કાર ખાબકતા એક દંપત્તિનું મોત થયું હતું.

ઘટનાની વિગત તપાસીએ તો, હળવદના અજીતગઢના રાહુલ અને તેની પત્ની મિત્તલબેન માળિયા મિયાણા તાલુકાના મેઘપર ગામે પ્રસંગમાં જઇ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેને કારણે કાર કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પતિ અને પત્ની બંન્નેના મોત નિપજ્યા હતા. સ્થાનિકોએ કેનાલમાંથી દંપતિના મૃતદેહો બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. રાહુલ અને તેની પત્ની બંને શનિવારના રોજ સવારે કારમાં માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા અને તે દરમિયાન જૂના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે આ અકસ્માત સર્જાયો હતો.

કેનાલમાં કાર ખાબક્યાની જાણ થતા જ દંપતિને બચાવવા સ્થાનિક લોકોએ ઘણો પ્રયાસ કર્યો હતો. તે લોકોએ દોરડુ નાખી બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કપલ દોરડુ પકડી શક્યા ન હતા. આખરે કારમા સવાર નવ દંપતિનું મોત થયુ હતુ. ભારે શોધખોળ કર્યા બાદ બંનેના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટ અનુસાર બંનેના લગ્ન દસેક મહિના પહેલા જ થયા હતા. આ કરુણ ઘટનાને લઇને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

રીપોર્ટ અનુસાર નવ દંપતિ ગાડીના કાચ તોડીને બહાર નીકળ્યા હતા અને બોનેટ પર ચઢી ગયા હતા. એક ભાઇએ બંનેને બચાવવા માટે કેનાલમાં દોરડું પણ નાખ્યું હતુ અને બંનેના હાથમાં તે દોરડુ પણ આવ્યુ હતુ છત્તાં તેઓ બચી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. તેમજ માળીયા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા.

 

Shah Jina