“મોરબીમાં થયેલી દુર્ઘટના ભગવાનની ઈચ્છાથી થઈ” ઓરેવા કંપનીના મેનેજરે કોર્ટમાં કહ્યું.. પોલીસે કહ્યું કે કાટ ખાતો હતો મોરબીનો પુલ… સમગ્ર મામલો જાણીને લોહી ઉકળી ઉઠશે

મોરબીની અંદર રવિવારે ઝૂલતા પુલ ઉપર ફરી રહેલા લોકો માટે આ દિવસ કાળમુખો સાબિત થયો. 400 જેટલા લોકો પુલ ઉપર ફરી રહ્યા હતા ત્યારે જ પુલ ધડામ દઈને નીચે પડ્યો અને કેટલાય માસુમ લોકો મોતને ભેટ્યા. આ દુર્ઘટનામાં સરકારી આંકડા અનુસાર અત્યાર સુધી 134 લોકોના મોત નિપજ્યા છે, જેમાં ઘણા બાળકો પણ સામેલ છે, ત્યારે આ મામલે તપાસની કાર્યવાહી પણ ચાલુ છે.

આ દુર્ઘટના મામલે પોલીસે સ્થાનિક અદાલતમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ ઘટનાના તપાસ અધિકારી અને પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ 1 નવેમ્બરના રોજ કોર્ટમાં જણાવ્યું કે ઝૂલતા પુલના તાર કાટ ખાઈ ગયા હતા, જો તેનું સમારકામ કરાવવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ના ઘટતી.” તો બીજી તરફ આ પુલની સાચવણી કરતી ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખે પણ એવું નિવેદન આપ્યું જેને લઈને લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે.

ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ અને આ વરિષ્ઠ સિવિલ ન્યાયધીશ એમજે ખાનને જણાવ્યું કે “ભગવાનની ઈચ્છાથી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના થઇ છે.” મીડિયા રિપોર્ટ અનુસાર ડીએસપી ઝાલા દ્વારા ધરપકડ કરવામાં આવેલા 9 લોકોમાંથી 4 લોકોના 10 દિવસના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી છે.

ડીએસપી ઝાલાએ કોર્ટ રૂમમાં જણાવ્યું કે, “ગાંધીનગરથી આવેલી એક ટીમની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે પુલ પર કેટલા લોકો હાજર હતા, તેની ક્ષમતા નિર્ધારિત કર્યા વગર અને સરકારની મંજૂરી વગર જ પુલ 26 ઓક્ટોબરના રોજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો. દેખરેખ અને સાચવણીના ભાગરૂપે કોઈ જીવન રક્ષક ઉપકરણ અને લાઇફગાર્ડ ફરજ પર મુકવામાં આવ્યા નહોતા. ફાટક પ્લેટફોર્મ બદલવામાં આવ્યું હતું. કોઈ બીજું કામ કરવામાં આવ્યું નહોતું.”

કોર્ટની અંદર ઝાલા સાહેબે એમ પણ જણાવ્યું કે “આખો પુલ તાર પર હતો અને તેમાં કોઈ આઇલિંગ કે ગ્રીસિંગ કરવામાં આવ્યું નહોતુ. જ્યાંથી તાર તૂટ્યા તે કાટ ખાઈ ગયેલા હતા. જો તેનું સમારકામ કરવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના ના ઘટતી. શું કામ થયું અને કેવી રીતે થયું તેનો કોઈ દસ્તાવેજ પણ નથી રાખવામાં આવ્યો. જે સામગ્રી ખરીદવામાં આવી અને વાપરવામાં આવી તેની તપાસ કરવાની હજુ બાકી છે.”

Niraj Patel