આ દોસ્તી રડાવી ગઇ : ખેડૂતની મોત પર અંતિમ દર્શન કરવા પહોંચ્યો વાંદરો, મહિલાઓના ખોળામાં રાખ્યુ માથુ, સૂતો રહ્યો જમીન પર
સુખમાં તો સાથ દરેક આપે છે પણ જે દુ:ખના સમયે સાથે આપે એ જ સાચો મિત્ર અને સંબંધી છે. માણસ પોતાની ફરજ એકવાર ભૂલી જાય છે, પણ પ્રાણીઓ ભૂલતા નથી. આવું જ એક દ્રશ્ય યુપીના લખીમપુરમાં જોવા મળ્યું. અહીં એક વાંદરાની માણસ સાથે મિત્રતા હતી અને તેનું અચાનક અવસાન થયા બાદ વાંદરો મિત્રના મોતથી દુઃખી થઈ ગયો અને તેના ઘરે પહોંચ્યો. મિત્રના મૃતદેહ પાસે મહિલાઓ અને સંબંધીઓ શોક વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે વાંદરો પણ ભાવુક બની ગયો હતો.
થોડી વાર પછી વાંદરો રડતી મહિલાઓને સાંત્વના આપવા પહોંચ્યો. એટલું જ નહીં અન્ય લોકોની જેમ વાંદરાએ પણ શોકમાં ભાગ લીધો અને પછી અંતિમ સંસ્કાર પહેલા ક્યાંક ચાલ્યો ગયો. આ મામલે લખીમપુર ખેરીના બિજુઆ વિસ્તારના ગોંધિયા ગામનો છે. અહીંના રહેવાસી 65 વર્ષીય ચંદન વર્માનું તાજેતરમાં લાંબી બીમારીના કારણે અવસાન થયું હતું.
અંતિમ યાત્રા પહેલા તેમના પાર્થિવ દેહને આંગણામાં રાખવામાં આવ્યો હતો. એટલામાં ક્યાંકથી એક વાંદરો આવ્યો. તે પણ મૃતદેહ પાસે બેસી ગયો. વાંદરો લાંબા સમય સુધી ઉદાસ બેસી રહ્યો. તે મૃતદેહ પાસે રડતી મહિલાઓ પાસે પણ ગયો હતો. જાણે એમને સાંત્વના આપતો હોય. ક્યારેક તે મૃતદેહની આસપાસ ચક્કર લગાવતો તો ક્યારેક નિરાશામાં જમીન પર સૂઈ જતો.
ચંદન વર્માના પુત્રએ જણાવ્યુ કે લગભગ પાંચેક વર્ષ પહેલા પિતા તેમના પાકને બચાવવા ગામથી ત્રણ કિલોમીટર દૂર ગોંધિયા જંગલના કિનારે જતા હતા. ત્યાં ભોજન કરતી વખતે તેઓ આ વાંદરાને પણ ખવડાવતા હતા. આ એ જ વાનર છે જે તેમના મોતના સમાચાર સાંભળીને અહીં આવ્યો હતો.