T20 વર્લ્ડકપ IND vs PAK : દર સેકન્ડે 4 લાખોની કમાણી…ભારત vs પાકિસ્તાન હાઇવોલ્ટેજ મેચમાં પૈસાનો વરસાદ

4 લાખ રૂપિયા પર સેકન્ડ ! ભારત Vs પાકિસ્તાન ટી20 વર્લ્ડ કપ મેચથી ભારે કમાણી…

ગયા વર્ષે ભારતમાં રમાયેલા ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન 10 સેકન્ડની જાહેરાત સ્લોટ માટે લગભગ 30 લાખ રૂપિયાની જરૂર હતી. દક્ષિણ એશિયાઈ પ્રવાસી સમુદાયની પરચેઝિંગ પાવરનો ફાયદો ઉઠાવતા ઇન્ટરનેશનલ કંપનીઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર મહામુકાબલા માટે ભરપુર તૈયારી કરી. ICC T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત રોજ એટલે કે રવિવારે સાંજે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઇ.

આ સ્ટેડિયમ માત્ર ત્રણ મહિનામાં જ બનાવવામાં આવ્યુ છે. તેમાં લાસ વેગાસમાં ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિકસ કોમ્પ્લેક્સના મોડ્યુલર સ્ટેન્ડનો ઉપયોગ કરે છે. આ ટૂર્નામેન્ટ પહેલીવાર અમેરિકામાં આયોજિત થઈ રહી છે. કેરેબિયન દેશોમાં પણ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ખાસ હોય છે. ગત રોજની મેચ એટલા માટે પણ ખાસ બની છે કારણ કે ગુરુવારે અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને દુનિયાને ચોંકાવી દીધી હતી.

સ્પોર્ટ્સ વેલ્યુએશન ફર્મ ડી એન્ડ પી એડવાઈઝરીના મેનેજિંગ પાર્ટનરના જણાવ્યા અનુસાર, આ મેચ માટે 10 સેકન્ડ માટે એડ સ્લોટની કિંમત 40 લાખ રૂપિયા (લગભગ $48,000) સુધી હતી. તેમણે એમ પણ કહ્યું કે ભારતની મેચો દરમિયાન સરેરાશ 10 સેકન્ડની એડ સ્પેસ માટે 20 લાખ ચૂકવવામાં આવે છે. તેનાથી વિપરીત, 30-સેકન્ડની સુપર બાઉલ જાહેરાતની કિંમત લગભગ $6.5 મિલિયન છે.

જ્યારે 2022 ફૂટબોલ વર્લ્ડ કપ દરમિયાન બ્રિટનમાં 30-સેકન્ડની જાહેરાતની કિંમત લગભગ 4,00,000 પાઉન્ડ ($5,11,000) હતી. T20 વર્લ્ડ કપને ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. જેમાં સાઉદી અરામ્કો, કોકા-કોલા અને અમીરાત ગ્રુપનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર, આ મેચની એક ટિકિટ 2500 ડોલરમાં વહેંચાઈ રહી હતી.

Shah Jina