ઈન્ડિગો એરલાઇન્સમાં કામ કરનારી એર હોસ્ટેસ માતાને મળવા માટે એરપોર્ટ ઉપર પહોંચી ફૂલ જેવી દીકરી, વીડિયોએ જીત્યા લાખો લોકોના દિલ

મા અને દીકરીનો પ્રેમ ખુબ જ ખાસ હોય છે. જ્યારે માતા કામ કરતી હોય છે, ત્યારે તેના માટે તેના બાળકોને છોડીને કામ પર જવાનું સૌથી મુશ્કેલ હોય છે. પરંતુ જ્યારે માતા અચાનક તેની નાની દીકરીને પોતાના કામના સ્થળ ઉપર મળે છે ત્યારની ખુશી જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ આવી જાય. ઈન્ડિગો એરલાઈને માતા અને પુત્રીની મુલાકાતનો એક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળકી એરલાઈન્સ કંપનીમાં કામ કરતી તેની માતાને મળવા ફ્લાઈટની અંદર પહોંચી ગઈ છે. માસૂમ દીકરીને અચાનક સામે જોઈને એરહોસ્ટેસ માતા પણ ભાવુક થઈ જાય છે. આ વીડિયો એરલાઈન કંપની ઈન્ડિગોએ પોતાના ફેસબુક પેજ પરથી શેર કર્યો છે. જેને ફેસબુક પર અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાની દીકરી એરપોર્ટ પર આવી પહોંચી છે. છોકરીનું નામ એવા છે. વીડિયોમાં એવા વ્હાઈટ અને બ્લુ સ્કર્ટ ટોપમાં જોવા મળી રહી છે. તે તેના નાના નાના પગ સાથે ચાલતી જોવા મળે છે અને પછી તેની માતા તરફ આગળ વધે છે. આ પછી, એવા અચાનક તેની માતાને મળે છે, ઈન્ડિગોની કર્મચારી એટલે કે એવાની માતા તેની પુત્રીને અચાનક જોઈને ચોંકી જાય છે. માતા અને પુત્રી એકબીજાને જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે.

આ વીડિયો જોયા બાદ યુઝર્સ પણ ભાવુક થઈ ગયા હતા. લોકોએ આ ક્ષણની જોરદાર પ્રશંસા કરી. એક યુઝર્સે લખ્યું કે માતા માટે પોતાના બાળકોને ઘરે મૂકી નોકરીએ જવું ખૂબ જ મુશ્કેલ હોય છે. માતાઓ જે કંઈ કરી રહી છે, તે ખરેખર મહાન છે. તેમના માટે આ ખરેખર એક મોટું બલિદાન છે. અન્ય એક યુઝરે લખ્યું કે આ ખૂબ જ કિંમતી ક્ષણ છે.

Niraj Patel