ભારતીય ક્રિકેટ ટીમ હાલ ભારતમાં જ ન્યૂઝીલેન્ડ ટીમની સામે વન-ડે શ્રેણી રમી રહી છે. જેમાં ભારતે 3 વનડે મેચમાં 2-0થી જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આજે ન્યુઝીલેન્ડ સામે ત્રીજી વનડે મેચ ઇન્દોરમાં રમાવાની છે. ત્યારે ભારતીય ટીમના અનુભવી અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ આ શ્રેણીનો ભાગ છે, પરંતુ હાલમાં કોર્ટ દ્વારા શમીને એક મોટો ફટકો પડ્યો છે.
કોલકાતાની અલીપુર જિલ્લા અદાલતે ક્રિકેટર મોહમ્મદ શમીને અલગ રહેતી તેની પત્ની હસીન જહાંના ભરણ પોષણ માટે દર મહિને 50 હજાર રૂપિયા આપવાનો હુકમ કર્યો છે. આ રકમ દર મહિનાની 10 તારીખના રોજ શમીએ જમા કરાવવાની રહશે. આ ઉપરાંત વર્ષ 2018માં આ મામલાની અંદર જ કોર્ટે શમીને પોતાની દિરકીના ભરણ પોષણ માટે પણ માસિક 80 હજાર રૂપિયા આપવાનો પણ આદેશ આપ્યો હતો.
આ મામલે ન્યાયાધીશ ગાંગુલીએ સોમવારે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું કે આ આદેશ 2018માં મામલો શરૂ થવાની સાથે જ પ્રભાવિત થશે. એટલે કે શમીને એ વર્ષે માર્ચમાં મામલો દાખલ થયો ત્યારથી જ બાકી રકમની ચુકવણી પણ કરવાની રહેશે. આ રીતે ક્રિકેટરે હવે દર મહિને 1.30 લાખ રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. ન્યાયાધીશ આનંદીતા ગાંગુલીએ કહ્યું કે મોહમ્મદ શમીની નાણાકીય વર્ષ 2020-21ના આયકર વિભાગ આંકડાથી સ્પષ્ટ છે એ વર્ષે મોહમ્મદ શમીની કમાણી 7.19 કરોડ હતી.
જજ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે એ વાતની કોઈ સાબિતી નથી કે હસીન જહાં મહિને 10 લાખ રૂપિયા કમાય છે. એવામાં તેમની યાચિકા ખારીજ કરવામાં આવે છે. જો કે હસીન જહાં આ રકમથી ખુશ નથી. કારણ કે તેને દર મહિને 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તેને 2018માં અરજી કરીને પોતાના વ્યક્તિગત ખર્ચ માટે 7 લાખ અને દીકરીની દેખરેખ માટે 3 લાખ રૂપિયા પ્રતિ મહિના ભરણ પોષણની માંગણી કરી હતી. હસીન જહાં હવે આ નિર્ણય વિરૂદ્ધ ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકે છે.