કોણ છે જહાંગીરપુરી હિંસા મામલામાં પકડાયેલો આરોપી મોહમ્મદ અંસાર ? ભંગાર વેચીને 12 વર્ષમાં 5 માળનું મકાન બનાવ્યું

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અંસાર નામના આરોપીને આ હિંસાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે, તેની પણ પોલીસે ધરપકડ કરી છે. આ દરમિયાન ફાયરિંગ કરનાર અસલમ પણ દિલ્હી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આ ઘટનામાં 8 પોલીસ કર્મચારીઓ સહિત કુલ 9 લોકો ઘાયલ થયા છે. 35 વર્ષીય મોહમ્મદ અંસાર જહાંગીરપુરીના બી બ્લોકનો રહેવાસી છે.

આ પહેલા પણ બે હુમલાના કેસમાં તેની સંડોવણી સામે આવી છે, જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે આર્મ્સ એક્ટ અને જુગાર ધારા હેઠળ 5 વખત ગુનો નોંધવામાં આવ્યો હતો. જહાંગીરપુરી હિંસા કેસમાં ધરપકડ થયા બાદ કોર્ટમાં હાજર થવા દરમિયાન તેણે ફિલ્મ પુષ્પાનો ઝુકેગા નહિ વાળો ઇશારો કર્યો હતો.

આ પછી તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો હતો. મોહમ્મદ અન્સારને મોંઘી કાર અને સોનાનો ખૂબ શોખ છે. સોનાની જાડી ચેન પહેરેલા અંસારની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સિવાય અંસારને મોંઘી કારનો પણ શોખ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં અંસાર BMW કાર સાથે જોવા મળી રહ્યો છે. ફોટોમાં અંસાર BMW કારના બોનેટ પર એક પગ રાખતો જોવા મળે છે.દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ મોહમ્મદ અંસારની પત્નીનું નામ સકીના છે. તેને ત્રણ પુત્રી અને બે પુત્ર છે.

પોતાના પતિને નિર્દોષ ગણાવતા સકીનાએ કહ્યું છે કે તે કોઈપણ હિંસામાં સામેલ નથી. તેણે દાવો કર્યો કે તે સ્થળ પર માત્ર દરમિયાનગીરી કરવા ગયો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી. સકીનાએ જણાવ્યું કે તેનો પરિવાર છેલ્લા 12 વર્ષથી બી બ્લોકમાં રહે છે. મીડિયા સાથે વાત કરતા સકીનાએ જણાવ્યું કે અંસાર મૂળ બંગાળનો છે. તે ઘણા વર્ષો પહેલા દિલ્હી આવ્યો હતો અને જહાંગીરપુરીમાં સ્થાયી થયો હતો. રિપોર્ટ અનુસાર, અંસાર વ્યવસાયે જંકયાર્ડ એટલે કે ભંગારનો વેપારી છે, તેની પાસે 5 માળનું મકાન છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંસારને સી બ્લોકની જામા મસ્જિદના ઈમામ દ્વારા બોલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ જ તે જુલૂસમાં પહોંચ્યો હતો. જો કે ઈમામે આ વાતને નકારી કાઢી છે. અંસારની દલીલ પછી બંને જૂથો ટૂંક સમયમાં હિંસક બની ગયા. બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. ટોળાએ પોલીસ દળ પર પથ્થરમારો કર્યો અને તેમના પર ગોળીબાર પણ કર્યો. આ હિંસામાં ઓછામાં ઓછા 8 પોલીસકર્મી ઘાયલ થયા છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ભીડને વિખેરવા પોલીસે 40-50 ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

હંગામા વચ્ચે એક સ્કુટીને આગ ચાંપી દેવામાં આવી હતી. તેમજ 5-6 કારમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ અને અર્ધલશ્કરી દળોની મદદથી રાત્રે લગભગ 8 વાગ્યે સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. બાદમાં આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. દિલ્હી ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આ કેસનો મુખ્ય આરોપી મોહમ્મદ અન્સાર આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે. AAPના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં દિલ્હી બીજેપીના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે અંસારને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે.

AAP નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે મને લાગે છે કે તેમને (અંસાર) ભાજપ સાથે જોડાયેલા હોવા જોઈએ કારણ કે ભગવા પાર્ટી અંદરની વાત જાણે છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે હિંસામાં સામેલ લોકોને કડક સજા મળવી જોઈએ. પાર્ટીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવા જોઈએ. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે મોહમ્મદ અન્સારને રાજકીય પક્ષ સાથે જોડાયેલા દર્શાવતા ચિત્રો પણ પોસ્ટ કર્યા હતા. જો કે, પોલીસે દાવો કર્યો છે કે તેઓએ હજી સુધી તેની પુષ્ટિ કરી નથી.

Shah Jina