અમદાવાદની બ્રેઈન ડેડ થયેલી યુવતીનું હૃદય પહોંચ્યું કોલકાત્તા, અંગદાનથી મળ્યું 5 લોકોને નવજીવન, મહેંકી ઉઠી માનવતા

અંગદાનને લઈને ગુજરાત ખુબ જ અગ્રેસર છે. સુરતમાંથી ઘણા અંગદાનના કિસ્સાઓ સામે આવતા આપણા અવાર નવાર સાંભળતા આવીએ છીએ ત્યારે હાલ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક યુવતીના અકસ્માતમાં બ્રેઈન ડેડ થયા બાદ તેના અંગદાન દ્વારા 5 લોકોને નવું જીવન મળ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મિત્તલબેન પ્રજાપતિનું અકસ્માત થતા તેઓને પ્રાથમિક સારવાર માટે અન્ય હોસ્પિટલમાં લઇ ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.

મિત્તલબેન બ્રેઇન ડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા મિત્તલબેનના પતિ ભરતભાઈ પ્રજાપતિ અને તેમના સ્વજનોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. તેમના પરિવાર જનોને અંગદાન માટે વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. જેનાથી પ્રેરાઇને પરિવારજનોએ મિત્તલબેનના અંગોનું દાન કરવાનો જનહિતલક્ષી, હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો.

મિત્તલબેન ના અંગદાનમાં 2 કિડની, લીવર, સ્વાદુપિંડ અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી હતી. જેના થકી 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થશે. મહિલાના ફેફસા હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર બનાવી હૃદય કલકત્તા પહોંચાડવામાં આવ્યું હતું.

સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર બનાવી હૃદય કલકત્તા ખાતે લઈ જવામાં આવ્યું છે તે માટે કલકત્તાથી ટીમ આવી હતી. અને 10 મિનિટમાં જ ગ્રીન કોરિડોર બનાવી હૃદયને એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતું જ્યાં પહેલાથી ફ્લાઇટ ટેક ઓફ માટે તૈયાર રખાઇ હતી ત્યારે મનાવતા મહેકાવતી આ ઘટના લોકો માટે પણ પ્રેરણા સમાન બની છે.

Niraj Patel