IPL 2024: ‘આ મહાદેવની કૃપા છે…’ સોમનાથ મંદિર જતા જ ખુલી હાર્દિક પંડ્યાની કિસ્મત, MIની જીત બાદ ચાહકોના આવ્યા આવા રિએક્શન્સ

કાલ ભી તુમ મહાકાલ ભી તુમ… સોમનાથ મંદિરમાં પૂજા બાદ ખુલ્યા હાર્દિક પંડ્યાના ભાગ્ય, મહાદેવની વરસવા લાગી કૃપા ! મુંબઇ ઇન્ડિયન્સના ખાતામાં આવી પહેલી જીત

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સને આખરે IPL 2024માં પહેલી જીત મળી છે. શરૂઆતમાં સતત ત્રણ મેચ હાર્યા બાદ નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024ની ચોથી મેચમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. રવિવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું હતું.

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં સતત ત્રણ મેચ હારી ગઈ હતી અને નિષ્ફળતા બાદ હાર્દિક પંડ્યા પર તેની કેપ્ટનશિપ બચાવવાનું દબાણ હતું. 1 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને લગભગ એક સપ્તાહનો બ્રેક મળ્યો હતો. આ બ્રેક દરમિયાન જ હાર્દિક પંડ્યા સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યો હતો.

ત્યારે IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત બાદ ચાહકો અચાનક સોશિયલ મીડિયા પર એક્શનમાં આવી ગયા. ચાહકોનું કહેવું છે કે હાર્દિક પંડ્યાએ સોમનાથ મંદિરના દર્શન કરીને મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી IPL મેચમાં જીત બાદ હાર્દિક પંડ્યાએ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે આ મહાદેવની શક્તિ છે.7 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા હાર્દિક પંડ્યા સોમનાથ મંદિર પહોંચ્યો હતો.

હાર્દિક પંડ્યાના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યા સોમનાથ મંદિરમાં પૂજા કરતો પણ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે રોમારીયો શેફર્ડની 10 બોલમાં 39 રનની અણનમ ઈનિંગ અને અન્ય બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી મુંબઈ ઈન્ડિયન્સે IPLની વર્તમાન સિઝનમાં રવિવારે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવીને પોતાની જીતનું ખાતું ખોલ્યું.

મુંબઈએ પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટે 234 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દિલ્હીની ટીમ આઠ વિકેટે 205 રન જ બનાવી શકી હતી. ત્રણ હાર બાદ મુંબઈની આ પ્રથમ જીત છે જ્યારે દિલ્હીને પાંચ મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાને પહોંચી ગઈ છે.

Shah Jina