મેક્સિકોમાં ટિકટોક પર લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ગોળી મારીને હત્યા કરવામાં આવી. સ્થાનિક પોલીસે જણાવ્યું કે 23 વર્ષીય વેલેરિયા માર્કેઝની હત્યા એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. મેક્સિકોના જલિસ્કોના ગુઆડાલાજારા શહેરમાં, હત્યારાએ ગિફ્ટ આપવાના બહાને તેના બ્યુટી સલૂનમાં પ્રવેશ કર્યો અને પછી તેને ગોળી મારી દીધી.
જ્યારે આ ઘટના બની ત્યારે માર્કેઝ તેના બ્લોસમ ધ બ્યુટી લાઉન્જ સલૂનમાંથી લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી હતી. આની એક ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી છે. ફૂટેજમાં, ટિકટોકર એક ટેબલ પર બેઠેલી, એક સ્ટફ્ડ ટોય પકડીને તેના ફોલોઅર્સ સાથે વાત કરતી જોવા મળે છે.
ગોળી ચલાવવામાં આવી તેના થોડા સેકન્ડ પહેલા તેને કહેતા સાંભળવામાં આવી કે, “તેઓ આવી રહ્યા છે,” અને બેકગ્રાઉન્ડમાં એક અવાજ આવ્યો, “હે, વેલે?” “હા,” લાઈવ સ્ટ્રીમ પર અવાજ બંધ થાય તે પહેલાં જ માર્કેઝે જવાબ આપ્યો. થોડીવાર પછી બેકગ્રાઉન્ડમાં ગોળીબારનો અવાજ સંભળાય છે. ટેબલ પર પડતા પહેલા માર્કેઝ પોતાની પાંસળીઓ પકડતી જોવા મળે છે. એક પુરુષ તેનો ફોન ઉપાડતો જોવા મળ્યો, જેનો ચહેરો વીડિયો પૂરો થાય તે પહેલાં લાઇવસ્ટ્રીમમાં થોડા સમય માટે દેખાતો હતો.
ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, માર્કેઝને છાતી અને માથામાં ગોળી વાગી હતી. તેને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હત્યારો મોટરસાઇકલ પર આવ્યો હતો અને ભેટ આપવાનું બહાનું બનાવ્યુ હતુ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર લગભગ 200,000 ફોલોઅર્સ છે, અને તે સુંદરતા અને જીવનશૈલી ક્લિપ્સ ઓનલાઈન શેર કરવા માટે જાણીતી હતી.