11 દિવસ બાદ જિંદગીની જંગ હારી ગઇ MBA વિદ્યાર્થીની વેદિકા, BJP નેતાની પિસ્તોલથી વાગી હતી ગોળી

Jabalpur BJP Leader Shot MBA Student: હાલમાં મધ્યપ્રદેશના જબલપુરનો એક કિસ્સો ઘણો ચર્ચામાં છે. કથિત રીતે ભાજપના નેતા પ્રિયાંશ વિશ્વકર્માએ એમબીએની વિદ્યાર્થીની વેદિકા ઠાકુરને ઓફિસમાં ગોળી મારી દીધી હતી, જેનું લગભગ 10-11 દિવસની સારવાર બાદ મોત થયું છે. હવે પોલીસ આ કેસના આરોપી પ્રિયાંશ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધશે. આ પહેલા પોલીસે હત્યાના પ્રયાસના કેસમાં આરોપીની ધરપકડ કરી હતી. 16 જૂને મધ્યપ્રદેશના જબલપુરમાં કથિત રીતે બીજેપી નેતા પ્રિયાંશ વિશ્વકર્માની ઓફિસમાં ગોળીબાર થયો હતો.

જેમાં વેદિકા ઠાકુર નામની MBA સ્ટુડન્ટને પ્રિયાંશે ગોળી મારી હતી. ગોળી વાગવાથી વિદ્યાર્થીની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી, જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જો કે, છેલ્લા 10-11 દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે. આવી સ્થિતિમાં પોલીસ હવે આરોપી સામે હત્યાનો કેસ દાખલ કરશે. મળતી માહિતી અનુસાર, આરોપી પ્રિયાંશ વિશ્વકર્મા જબલપુરના ધનવંતરી વિસ્તારમાં રહે છે અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને રેતીનો બિઝનેસ કરે છે. આરોપીઓએ 16 જૂને બપોરે 2 વાગ્યાની આસપાસ વેદિકાને ગોળી મારી હતી.

આરોપી એટલો હોશિયાર છે કે તેની ઓફિસે પહોંચીને સીસીટીવી ડીવીઆર ગાયબ કરી નાખી. આ ઉપરાંત લોહીના ડાઘા પણ દૂર કરી નાસી છૂટ્યો. ઘાયલ વિદ્યાર્થીની વેદિકાએ પ્રિયાંશ વિશ્વકર્માએ ગોળી મારી હોવાનું નિવેદન આપ્યું હતું. ઘટનાના 3 દિવસ બાદ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તેના પર હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો હતો પણ સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થતા હવે આરોપી સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. વેદિકાના મોતથી તેના માતા-પિતાની રડી રડીને હાલત ખરાબ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 16 જૂનના રોજ વેદિકા તેના મિત્ર સાથે મોબાઈલ વેચવા નીકળી હતી. પરિવારનું કહેવું છે કે તે તેની મિત્ર પાયલ સાથે ધનવંતરી નગર સ્થિત બીજેપી નેતા પ્રિયાંશુ વિશ્વકર્માની ઓફિસમાં કેવી રીતે પહોંચી, તેઓને તેની ખબર નથી. પણ તેઓનું કહેવુ છે કે ઘટનાના દિવસે આરોપી પ્રિયાંશનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે વેદિકાની તબિયત ખરાબ છે અને તે તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છે. હોસ્પિટલ પહોંચતા જ તેઓને ખબર પડી કે વેદિકાને ગોળી વાગી છે. આ ઘટના બાદ પ્રિયાંશ વિશ્વકર્મા પોતાની રિવોલ્વર લઈને ફરાર થઈ ગયો હતો.

ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી પણ આરોપી પ્રિયાંશ વિશ્વકર્મા વિરૂદ્ધ રિપોર્ટ દાખલ કર્યો નહોતો. વેદિકાના પરિવારજનોએ જણાવ્યું કે પોલીસ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે. પરિવારના સભ્યોના દબાણ બાદ પોલીસે પ્રિયાંશુ વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની શોધમાં નરસિંહપુર પહોંચી. નરસિંહપુરમાં પ્રિયાંશ મળ્યો ન હતો, પરંતુ તેની સ્કોર્પિયો કાર મળી આવી હતી. કારના બોનેટ પર ભાજપનો ઝંડો હતો. રીપોર્ટ અનુસાર, પ્રિયાંશ વિશ્વકર્મા નરસિંહપુરના ધારાસભ્ય જાલમ સિંહના દિવંગત પુત્ર મણિનગેન્દ્ર સિંહ ઉર્ફે મોનુ પટેલના નજીકના મિત્ર હતા.

પ્રિયાંશુ પણ મોનુ પટેલના ધંધામાં ભાગીદાર હતો. આ ઘટના બાદ ભાજપના વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓએ પ્રિયાંશ વિશ્વકર્માથી દૂરી બનાવી લીધી હતી. પાર્ટીના કેટલાક નેતાઓએ કહ્યું કે ભાજપનો પ્રિયાંશ સાથે દૂરનો સંબંધ પણ નથી. તેઓ પક્ષમાં કોઈ હોદ્દો ધરાવતા ન હતા. જોકે પ્રિયાંશે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથેની પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે. પ્રિયાશે 19 જૂને સંજીવની નગર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આરોપીને જેલમાં ધકેલ્યો હતો.

જો કે, આ ઘટના બાદથી વેદિકાની મિત્ર પાયલનું ગુમ થવું અનેક સવાલો ઊભા કરી રહ્યુ છે. પાયલ એકમાત્ર સાક્ષી છે જે ઘટનાના દિવસે સ્થળ પર હાજર હતી. હજુ સુધી પોલીસ પાયલનો કોઈ સુરાગ શોધી શકી નથી. પાયલ મળી આવ્યા બાદ જ ઘટનાનું સત્ય બહાર આવશે. જો કે, વેદિકાએ તેના મૃત્યુ પહેલા આપેલા નિવેદનમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે પ્રિયાંશ વિશ્વકર્માએ તેના પર ગોળી ચલાવી હતી. ગોળી શા માટે અને શા માટે ચલાવવામાં આવી તે હજુ પણ રહસ્ય છે.

Shah Jina