ગુજરાતના આ બેટ્સમેનને ખોટી રીતે આઉટ આપતા છટક્યો તેનો પિત્તો, ડ્રેસિંગ રૂમમાં જઈને હેલ્મેટનો કર્યો છુટ્ટો ઘા અને બેટથી કરી તોડફોડ, જુઓ વીડિયો

IPLમાં પ્લેઓફ શરૂ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ગુજરાત અને લખનઉની ટીમ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે, જયારે ત્રીજા અને ચોથા ક્રમાંક માટે હવે રસાકસીનો જંગ મેદાન ઉપર ખેલાઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બચ્ચે એક રોમાંચક મુકાબલો યોજાયો હતો.

ગુજરાત સામેની મેચ આરસીબીએ કોઈપણ સંજોગોમાં જીતવી પડે તેમ હતી, અને આરસીબીએ શાનદાર બોલિંગ બાદ ખુબ જ શાનદાર બેટિંગ પણ કર્યું અને ગુજરાતને 8 વિકેટે આરસીબીએ હરાવ્યું, પરંતુ આ દરમિયાન મેચમાંથી કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી, જેમાં એમ્પાયરના નિર્ણય ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પરંતુ આ મેચમાં ગુજરાતની બેટિંગ દરમિયાન એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી, જેમાં ગુજરાતનો એક બેટ્સમેન આઉટ થયો હતો અને ગેરવર્તણૂક પર ઉતરી ગયો હતો.

આરસીબી સામે પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતના બેટ્સમેન મેથ્યુ વેડે આ મેચમાં ગેરવર્તણૂક દર્શાવી હતી. આઉટ આપ્યા બાદ તે અમ્પાયરના નિર્ણયથી બિલકુલ ખુશ નહોતો, જેના પછી તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. વાસ્તવમાં એવું બન્યું કે ગુજરાતની ઈનિંગની છઠ્ઠી ઓવર ગ્લેન મેક્સવેલ લઈને આવ્યો. ત્યારબાદ આ ઓવરના બીજા બોલ પર વેડે સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે ચૂકી ગયો અને બોલ તેના પેડ સાથે અથડાયો. આરસીબીના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી અને મેદાન પરના અમ્પાયરે વેડને આઉટ આપ્યો.

વેડે નક્કી કર્યું કે તે રીવ્યુ કરશે. રિવ્યુ લેતી વખતે વેડ ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે બોલ તેના બેટ સાથે અથડાયો હતો. પરંતુ આવું ન થયું અને રિવ્યુમાં જોવા મળ્યું કે બોલ બેટને અથડાયો નથી. પછી વેડને આઉટ આપવામાં આવ્યો અને તે ગુસ્સે થયો. વેડે 13 બોલમાં 16 રન બનાવ્યા હતા પરંતુ તે આઉટ થયો હતો. આઉટ થયા પછી, તે ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો, જયારે તે ડ્રેસિંગ રૂમમાં જઈ રહ્યો હતો ત્યારે વિરાટ કોહલીએ પણ તેની સાથે વાત કરી હતી. ત્યારબાદ તે દોડીને ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો અને ત્યાં તેને હેલ્મેટનો છુટ્ટો ઘા કર્યો હતો. આટલું જ નહીં, તેણે પોતાનું બેટ ઘણી વખત જમીન પર પછાડ્યું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું હતું. આરસીબી માટે અંતિમ 4માં જવાની આ છેલ્લી તક હતી અને આજે વિરાટ કોહલીનું બેટ પણ જોરદાર ગર્જના કરતું હતું. વિરાટે આ મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં આરસીબીએ માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હવે આરસીબીની ટીમને આશા હશે કે દિલ્હી કેપિટલ્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારે.

Niraj Patel