રવિવાર, 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023 ફાઇનલની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી ફરી એકવાર ખિતાબ પોતાના નામે કરી લીધો. વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં હાર બાદ ટીમ ઇન્ડિયાની સાથે સાથે દેશવાસીઓમાં પણ માયૂસીનો માહોલ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની જીતનો જશ્ન મનાવી રહી છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વર્લ્ડ કપ ટ્રોફીનું કર્યું અપમાન
આ દરમિયાન સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડી મિશેલ માર્શનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં મિશેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખીને બેઠો હોવાનું દેખાઇ રહ્યુ છે.
મિશેલ માર્શે વર્લ્ડ કપ ટ્રોફી પર રાખ્યો પગ
ફોટો સામે આવતા જ યુઝર્સે તેને સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યુ અને આ સાથે લોકોએ તેને ખૂબ ટ્રોલ પણ કર્યો. લોકોનું કહેવું છે કે આ પ્રકારનું વર્તન કરીને મિશેલ માર્શે ટ્રોફીનું અપમાન કર્યું છે. લોકો આ ફોટો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જો તેઓ વર્લ્ડ કપનું સન્માન નથી કરતા તો તેઓ જીત પછી પણ હારેલા છે, જેમના માટે આ જીત એક ઈમોશન છે.
લોકોએ વર્લ્ડ કપ ટ્રોફી સાથે કપિલ દેવનો ફોટો શેર કરી આપી સલાહ
તેમના માટે આ સ્પર્ધા છે, પણ અમારી ટીમ ઈન્ડિયા માટે આ સ્પર્ધા કરતાં વધુ લાગણી છે. એક યુઝરે લખ્યું, ‘ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું આ ઘમંડ ટૂંક સમયમાં તૂટી જશે અને તેમની હાલત ઝિમ્બાબ્વે જેવી જ થશે. જો કે, આ દરમિયાન કેટલાક લોકો વર્ષ 1983નો ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવનો ફોટો પણ શેર કરી રહ્યા છે, જેમાં તેઓ બંને હાથ વડે વિશ્વ કપની ટ્રોફી પોતાના માથા પર પકડેલા જોવા મળે છે.
43 ઓવરમાં 241 રનનો ટાર્ગેસ ચેઝ કરી ઓસ્ટ્રેલિયાએ જીત હાંસિલ કરી
જણાવી દઇએ કે, વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી અને ભારતે પ્રથમ બેટિંગ કરી 240 રન બનાવ્યા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે 137 રન બનાવ્યા અને લાબુશેને પણ સારી ઇનિંગ સાથે અણનમ 58 રન બનાવ્યા. જે બાદ 43 ઓવરમાં 241 રને 4 વિકેટ ગુમાવી ઓસ્ટ્રેલિયાએ જીત હાંસિલ કરી.
Australian Cricketer Mitchell Marsh sits with his feet on the top of the #WorldCup trophy…#Worldcupfinal2023 pic.twitter.com/t4n1pr11df
— Pankaj Goswami (@PankajG91301054) November 20, 2023