મનુ ભાકરનું ત્રીજુ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર, ઇતિહાસ રચવાથી ચૂકી
ભારતીય મહિલા શૂટર મનુ ભાકર શનિવારે ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવાનું ચૂકી ગઈ. ‘મિરેકલ ગર્લ’ મનુ ભાકરની ઓલિમ્પિકમાં ઐતિહાસિક હેટ્રિક પૂરી ના થઈ શકી. ભારતીય શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક ગેમ્સની 25 મીટર મહિલા પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં ચોથા સ્થાને રહી. 22 વર્ષિય મનુ ભાકરે આઠ મહિલાઓની ફાઇનલમાં 28 રન બનાવ્યા અને આ ગેમ્સમાં મેડલની હેટ્રિક પૂરી કરવામાં ચૂકી ગઇ.
તે શૂટ ઓફમાં બ્રોન્ઝ મેડલ વિજેતા હંગરીની વેરોનિકા મેજર સામે હારી ગઈ. આ પહેલા ગુરુવારે પ્રિસિજનમાં 294 પોઇન્ટ અને રેપિડમાં 296 પોઇન્ટ સાથે કુલ 590 પોઇન્ટ મેળવ્યા હતા અને ક્વોલિફિકેશનમાં બીજું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.
મનુ ભાકરે પ્રથમ વખત મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે ફરીથી 10 મીટર એર પિસ્ટલ મિશ્રિત ટીમ કેટેગરીમાં દક્ષિણ કોરિયાને હરાવીને સરબજોત સિંહ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. આઝાદી પછી મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. આ પહેલા એક જ ઓલિમ્પિકમાં કોઈ પુરુષ કે મહિલા ખેલાડી બે મેડલ જીત્યા નથી.