અમદાવાદની 21 વર્ષની માના પટેલે વિશ્વ લેવલે વગાડ્યો ગુજરાતનો ડંકો, ટોક્યો ઓલમ્પિકમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ

દરેક દીકરી ઈચ્છે છે કે તે પોતાના ઘર પરિવારનું નામ રોશન કરે. પોતાની આગવી ઓળખ ઉભી કરે, પરંતુ સમાજના કેટલાક બંધનો અને કેટલાક રૂઢિ ચુસ્ત નિયમોના કારણે ઘણી યુવતીઓ પોતાના આ સપનાઓને પૂર્ણ નથી કરી શકતી. પરંતુ અમદવાદની એક 21 વર્ષની યુવતીએ પોતાનું સપનું પૂર્ણ કરી બતાવ્યું છે.

અમદાવાદની માના પટેલ હવે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરવા જઈ રહી છે. માના પટેલ હવે ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. માના પટેલ આંતરરાષ્ટ્રીય સ્વિમર છે. મૂળ અમદાવાદની માના પટેલ જાપાન ઓલિમ્પિકમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે, જ્યાં તે દેશનું નામ રોશન કરશે.

માના પટેલ અગાઉ 2015માં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મેળવી ચૂકી છે. માના પટેલ અત્યારસુધી એક ગોલ્ડ મેડલ અને ચાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ચૂકી છે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે.

આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ભારતના સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુએ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યાં છે.

તો માનાને શુભકામનાઓ આપતા કિરણ રિજિજુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ ભારતની પ્રથમ મહિલા અને ત્રીજી ભારતીય સ્વિમર બની ગઇ છે, જેણે #Tokyo2020 માટે ક્વોલિફાઇ કરી લીધું છે. હું માનાને અભિનંદન પાઠવું છું કે જેને યુનિવર્સિલિટી ક્વોટા અંતર્ગત ક્વોલિફિકેશન પ્રાપ્ત કર્યું. વેલડન.”

આ ઉપરાંત વિજય નહેરાએ પણ ટ્વીટ કરીને માના પટેલને શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું છે “ખૂબ જ સરસ માના પટેલ, તમને અને તમારા કોચ કમલેશ નાણાવટીને હૃદયથી શુભેચ્છાઓ, સાથે જ તમારા પેરન્ટ્સ રવજીભાઈ અને આનલબેનને અભિનંદન, જેમના સખત પરિશ્રમ અને ડેડિકેશને મેં છેલ્લાં 10 વર્ષથી જોયાં છે. તેં અમને બધાને ગર્વનો અનુભવ કરાવ્યો છે.”

પોતાની આ સફળતા વિશે ઓલિમ્પિક્સ.કોમ સાથે વાત કરતાં માનાએ જણાવ્યું હતું કે, “હું ખૂબ જ આનંદ અનુભવી રહી છું. મેં મારા સાથી સ્વિમર્સ પાસેથી ઓલિમ્પિક્સ વિશે સાંભળ્યું છે અને ટીવી પર જોયું છે અને ઘણા ફોટો જોયા છે, પરંતુ આ વખતે ત્યાં રહીને દુનિયાના બેસ્ટ સ્વિમર્સ સાથે સ્પર્ધા કરવાની વાતથી મારા રૂંવાડાં ઊભાં થઈ જાય છે.”

માના પટેલને આ ઉપલબ્ધી માટે દેશભરમાંથી શુભકામનાઓ આવી રહી છે. મુખ્યમન્ત્રી વિજય રૂપાણી સહીત ઘણા બધા નેતાઓએ પણ માનાને આ સફળતા બદલ શુભકામનાઓ પાઠવી છે. માના ઉપરાંત ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારા અન્ય બે સ્વિમર શ્રીહરિ નટરાજ અને સજન પ્રકાશ છે.

Niraj Patel