11000 વૉટ વીજળીના તાર ઉપર અજીબો ગરીબ સ્ટન્ટ કરતો જોવા મળ્યો આ વ્યક્તિ, નજારો જોઈને લોકોના ઉડ્યા હોંશ અને પછી થયું એવું કે.. જુઓ વીડિયો

ઇન્ટરનેટ ઉપર સ્ટન્ટના ઘણા બધા વીડિયો તમે રોજ વાયરલ થતા જોતા હશો, જેમાં ઘણા વીડિયોની અંદર કેટલાક લોકો એવા એવા દિલધડક સ્ટન્ટ કરે છે કે તેને જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય. તો કેટલીકવાર લોકો સ્ટન્ટ કરવામાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ 11000 વૉટના વીજળીના તાર ઉપર ચઢીને સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે.

આ ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાની છે, જ્યાં અમરિયા નગરના મુખ્ય બજારમાં એક યુવક હાઈવોલ્ટેજ લાઇન પર ઝૂલતો જોવા મળ્યો હતો. જ્યારે લોકોએ આ માણસને જીવલેણ સ્ટંટ કરતા જોયો, ત્યારે તેઓએ તેનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, લોકોએ યુવકને ખતરનાક કૃત્ય કરતા જોયો કે તરત જ તેમણે વિજળી વિભાગને જાણ કરી દીધી. ત્યારબાદ ઘણી જહેમત બાદ યુવકને નીચે લાવવામાં આવ્યો.

વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે યુવક હાઈ ટેન્શન લાઈનને દોરડાની જેમ પકડીને ઝૂલી રહ્યો છે. તે કેટલીકવાર પોતાને તાર પર ખેંચે છે, પછી તેના પર સૂઈ જાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈ ટેન્શન વાયર પર જીવલેણ પરાક્રમ કરનાર યુવકનું નામ નૌશાદ છે, જે માર્કેટમાં જ રોડ કિનારે હાથલારીપર બંગડીઓ વેચે છે. પરંતુ શનિવારે અચાનક તે તેની હાથલારી છોડીને ત્યાંથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનમાં પહોંચી ગયો અને તેના પર વિચિત્ર સ્ટંટ કરવા લાગ્યો.

જો કે તે નસીબદાર હતો કે જ્યારે તે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે વરસાદને કારણે કોઈ કારણસર વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યુવકને વીજ વાયર પર ઝૂલતો જોઈ નીચે ઉભેલા લોકો ડરી ગયા હતા. તેઓ ડરતા હતા કે કદાચ વીજળી આવી જશે તો…આથી તેમણે તાત્કાલિક વિજ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી યુવક વિશે જણાવ્યું અને વીજળી ચાલુ ન કરવા જણાવ્યું. આ પછી વિજળી વિભાગના કર્મચારીઓ અને બજારના લોકોએ મળીને યુવકને કોઈ રીતે નીચે ઉતાર્યો હતો અને તેના પરિવારજનોને જાણ કરી હતી.

યુવકની હરકતો અંગે પરિવારજનોએ કહ્યું કે તે ક્યારેક ઊંધી વર્તણૂક કરવા લાગે છે, જ્યારે બજારના લોકો કહે છે કે તે રોજ હાથલારી પર બંગડીઓ વેચે છે પરંતુ તેઓએ તેને ક્યારેય કોઈ ક્રિયા કરતા જોયો નથી. હાલમાં, યુવક તેના ઘરે છે. તેણે આ અંગે કોઈની સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટના શનિવારે બની હતી, જેના વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે.

Niraj Patel