ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જુના મોરબી રોડ પરથી એક કિસ્સો સામે આવ્યો, જેમાં રાજનગરમાં બીજા માળેથી બ્રશ કરતી વેળાએ એક યુવક ખુલ્લા કુવામાં પડી ગયો અને તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ. આ ઘટનાને લઇને પરીવારમાં પણ અરેરાટી વ્યાપી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુના મોરબી રોડ પર રાજનગરમાં રહેતો સમીર સરે સવારે 8 વાગ્યા આસપાસ બીજા માળે પાળી પર બેસી બ્રશ કરતો હતો અને આ દરમિયાન જ ભારે પવન ફુંકાતા તેણે શરીરનું સંતુલન ગુમાવ્યુ. જે બાદ તે પટકાઇ ખુલ્લા કુવામાં પડ્યો. ત્યારે ગંભીર ઇજા થવાને કારણે તે બેભાન થઇ ગયો અને પરીવારજનોએ તેની શોધખોળ કરી તો તે એક કલાક બાદ પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો.
જે બાદ પરીવારે 108ને જાણ કરી તો ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ બી ડીવીઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ ખસેડયો હતો. સમીર મુળ કોલકતાનો વતની છે અને તે ઇમીટેશનની મજુરી કામ કરતો હતો. તે બે બહેનોનો એકનો એક ભાઇ હતો અને તેને સંતાનમાં પણ એક પુત્ર-પુત્રી છે.