મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ આવી ભારત: મુંબઇમાં પગ રાખતા જ થઇ ઇમોશનલ; વર્ષો પહેલા ઇસ્લામ કબુલ્યો હતો; જુઓ વીડિયો
શાહરૂખ ખાન અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ ‘કરણ અર્જુન’ ફેમ એક્ટ્રેસ મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ ભારત પરત આવી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ભારત પરત ફરવા પર ભાવુક અને ખુશ જોવા મળી રહી છે. મમતા કુલકર્ણીએ વીડિયોમાં કહ્યું કે તે 25 વર્ષ બાદ ભારત પરત આવી છે અને મુંબઈ પહોંચીને તેની જૂની યાદો તાજી થઈ ગઈ છે. તેણે કહ્યું કે જ્યારે તેની ફ્લાઈટ ભારતની ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે તે પોતાની માતૃભૂમિને જોઈને ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ઉતરતી વખતે તે પોતાના આંસુ રોકી ન શકી.
વીડિયોમાં મમતા કહે છે- ‘હાય મિત્રો, હું મમતા કુલકર્ણી છું. હું 25 વર્ષ પછી ભારત, બોમ્બે, મુંબઈ, આમચી મુંબઈ આવી છું. હું વર્ષ 2000માં ભારતની બહાર ગઇ હતી અને હવે બરાબર 2024માં પાછી આવી છું. હું પાછી આવીને ખરેખર ખુશ છું. મને તે કેવી રીતે વ્યક્ત કરવું તે ખબર નથી, પરંતુ ખરેખર જ્યારે ફ્લાઇટ લેન્ડ થઈ તે પહેલાં હું સતત મારી ડાબી અને જમણી તરફ જોતી હતી. 25 વર્ષ પછી મેં મારા દેશને ઉપરથી જોયો અને ભાવુક થઈ ગઇ. મારી આંખોમાં આંસુ હતા.
મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પગ મૂકતાં જ હું ભાવુક થઈ ગઇ. આ સાથે મમતાએ ભારત પરત ફરવાનું કારણ પણ જણાવ્યું. અભિનેત્રી અનુસાર, તે મહા કુંભ મેળા માટે ભારત પરત આવી છે. જણાવી દઈએ કે, મમતા કુલકર્ણી ‘રામ લખન’, ‘વક્ત હમારા હૈ’, ‘ક્રાંતિવીર’, ‘કરણ અર્જુન’, ‘સબસે બડા ખિલાડી’, ‘આંદોલન’ અને ‘બાજી’ જેવી ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2002માં રિલીઝ થઈ હતી.
મમતા કુલકર્ણીની પહેલી ફિલ્મ ‘તિરંગા’ હતી, જે વર્ષ 1992માં રિલીઝ થઈ હતી. આ પછી તેણે વર્ષ 1993માં ફિલ્મ ‘આશિક આવારા’માં કામ કર્યુ. 1995માં આવેલી તેની ફિલ્મ ‘કરણ અર્જુન’ ઘણી સફળ રહી હતી. ફિલ્મ સિવાય મમતા તેની અંગત લાઇફને લઇને ચર્ચામાં રહી છે. મમતા કુલકર્ણીનું નામ વિવાદોમાં આવી ચૂક્યુ છે. 2016માં થાણે પોલીસે મમતા કુલકર્ણીનું નામ રૂ. 2000 કરોડના આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં કથિત રીતે જાહેર કર્યું હતું. તેના પર દાણચોરીનો આરોપ હતો.
એવું કહેવામાં આવ્યું હતું કે મમતા કુલકર્ણી તેના પાર્ટનર વિકી ગોસ્વામી અને અન્ય સહયોગીઓ સાથે જાન્યુઆરી 2016માં કેન્યામાં એક ઈન્ટરનેશનલ ડ્રગ રિંગની મીટિંગમાં ગઈ હતી. મમતા કુલકર્ણીએ વર્ષ 2013માં મુસ્લિમ વ્યક્તિ વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. તે દારૂનો ધંધો કરતો હતો. તે દુબઈ ચાલ્યો ગયો. તેને સઉદમાં જેલ થઇ હતી. આ પછી તેણે ઇસ્લામ કબૂલ કરી લીધો.
View this post on Instagram