’25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ…’, વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને કરાઈ હકાલ પટ્ટી…
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયોને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન બુધવારે 5 ફેબ્રુઆરીએ શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું. યુએસ લશ્કરી વિમાન C-17માં પંજાબ અને ગુજરાત સહિત રાજ્યોના 104 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા. આજે એટલે કે 6 ફેબ્રુઆરીએ ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા, જેમને વતન મોકલવામાં આવી રહ્યા છે. અમેરિકામાંથી ડિપોર્ટ થયેલ 104 લોકોમાં મોટાભાગના પંજાબ, હરિયાણા અને ગુજરાતના છે.
ત્યારે અમેરિકાથી પરત ફરેલી ખુશ્બુ પટેલ કે જે તેના વતન વડોદરાના લુણા ગામ પહોંચી છે. પાદરા પોલીસ ખુશ્બુને અમદાવાદ એરપોર્ટ પરથી વતન લાવી હતી. ખુશ્બુ પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પિતા તો દીકરીને જોઈ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ખુશ્બુ પટેલ પરત આવતા તેના ભાઇએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યુ કે, વિમાનમાં હથકડી પહેરાવીને લાવવામાં આવ્યા. આ ઉપરાંત તેણે કહ્યું કે, અમદાવાદથી આવ્યા પછી પાદરા પોલીસ દ્વારા તેનું નિવેદન લેવામાં આવ્યું છે.
બહેન ટૂરિસ્ટ વિઝા પર ફરવા ગઈ હતી. ડોક્યુમેન્ટના અભાવે તેને પાછી મોકલાઇ છે. હજુ તેની સાથે બરાબર વાત થઈ નથી કારણ કે તે મેન્ટલી સ્ટેબલ નથી. 36 કલાકમાં પ્લેનમાં વીતાવ્યા છે, જે બાદ ગઈકાલથી અત્યાર સુધીમાં અમૃતસરથી અમદાવાદ આવ્યા છે. પોલીસે તેમની પૂછપરછ કરી છે. જે કંઇ થયું છે, તે બધી વાત પોલીસને કરી છે.અમને મીડિયામાંથી જ ખબર પડી કે તે અમેરિકાથી પરત ફરી રહી છે. પરિવાર અનુસાર, ખુશ્બુ 25 દિવસ પહેલા જ અમેરિકા ગઇ હતી.