લગ્ઝરી હોટલ લેવાનામાં લાગેલી આગમાં મોતને ભેટેલા કપલના ડિસેમ્બરમાં થવાના હતા લગ્ન, સપનું રહી ગયુ અધૂરુ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની લેવાના હોટલમાં સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી અને આ આગની ચપેટમાં આવવાને કારણે ચાર લોકોના મોત થયા છે. હોટલમાં લાગેલી આગ અને બચાવ કાર્યમાં વિલંબની ગંભીર નોંધ લેતા યુપી સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તપાસ સમિતિમાં મુખ્ય સચિવ ગૃહ, અગ્ર સચિવ મેડિકલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે લેવાના હોટલમાં સવારે 7.30 વાગ્યે આગ લાગી હતી. આગ હોટલના રસોડામાંથી શરૂ થઈ હતી.

આગ કિચન સુધી સીમિત હતી, પરંતુ તેનો ધુમાડો આખી હોટલમાં ફેલાઈ ગયો હતો. લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો હતો. દુર્ઘટના સમયે હોટલના 30 રૂમમાંથી 18 રૂમ બુક હતા. આમાં 35 લોકો રોકાયા હતા. જે ચાર લોકોના મોત થયા તેની પાછળનું કારણ ધુમાડો જણાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માતમાં સાહિબા કૌર અને તેના મંગેતર ગુરનૂર આનંદનું મોત થયું છે. બંને લખનઉના ગણેશગંજના સરાઈફાટકના રહેવાસી હતા.

ગુરનૂરના પરિવારના જણાવ્યા મુજબ, સાહિબા કૌર અને ગુરુનાર આનંદ હોટલમાં પાર્ટીમાં સામેલ થયા હતા અને ત્યાં રોકાયા હતા. લેવાના આગ કેસમાં ત્રીજા મૃતકની ઓળખ અમન ગાઝી તરીકે થઈ છે, જે લખનઉના રિંગ રોડ પર કલ્યાણપુરનો રહેવાસી હતો. ચોથી મૃતકની ઓળખ શ્રાવિકા તરીકે થઈ છે. તમામ મૃતકો લખનઉના રહેવાસી હતા. ચારેયના પરિવારમાં હાલ શોકનું વાતાવરણ છે અને લોકો હોટલ મેનેજમેન્ટ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

28 વર્ષીય ગુરનૂર સિંહ આનંદ અને તેની 26 વર્ષીય મંગેતર સાહિબા કૌર એક મિત્રની બર્થડે પાર્ટીમાં હાજરી આપવા માટે લેવાના હોટલ ગયા હતા અને ઉજવણી બાદ ત્યાં રોકાયા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં બંને લગ્નના બંધનમાં બંધાવાના હતા અને લગ્નની ખરીદી માટે દિલ્હી જવાની પણ યોજના બનાવી રહ્યા હતા, પરંતુ કુદરતને કંઇક બીજું જ મંજૂર હતુ. બંનેની જાન્યુઆરીમાં સગાઈ થઇ હતી. ગુરનૂર એક ઇવેન્ટ પ્લાનર હતો અને લખનઉમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતો હતો,

જ્યારે સાહિબા લખનઉમાં સોશિયલ મીડિયા કન્ટેન્ટ સર્જક અને મેકઅપ આર્ટિસ્ટ હતી. તેના લગભગ 5k ફોલોઅર્સ સાથેનું એક Instagram પેજ હતું. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે મહિલાના પરિવારનો અમીનાબાદના પ્રતાપ બજારમાં જૂનો કાપડનો વ્યવસાય પણ હતો. બંનેના પિતા મૃત્યુ પામ્યા હતા. ગુરનૂરના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું અને તેની માતા શિક્ષિકા છે. સાહિબાના પરિવારમાં તેની માતા ગુરવિંદર કૌર અને એક નાની બહેન છે. તમને જણાવી દઈએ કે, હોટલના માલિક અગ્રવાલ બંધુઓની પોલીસે ધરપકડ કરી છે.

ત્યાં તપાસમાં સામે આવ્યુ છે કે હોટલ સલામતી ધોરણોનું પાલન કરી રહી નથી. આ માટે અગાઉ લેવાનાને નોટિસ પણ આપવામાં આવી હતી. હવે લેવાના હોટલ પર બુલડોઝર ચલાવવાનું નક્કી થયું છે. મુખ્યમંત્રીએ લેવાના આગની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય લખનઉના ડીએમ સૂર્યપાલ ગંગવારે લેવાના હોટલ આગની ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે જો કોઈની બેદરકારી કે સંડોવણી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં કેટલાક લોકોને ઇજા પણ પહોંચી છે, જેની સંખ્યા 9-10 હોવાનું કહેવાય છે.

Shah Jina