નાના કદના યુવક સાથે પ્રેમ કરીને વસાવ્યું ઘર, ગિનિસ બુકમાં નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ, અનોખી છે આ અનોખા કપલની કહાની, જુઓ તસવીરો
દેશ અને દુનિયામાં ઘણીવાર કેટલાક લોકોની એવી એવી લવ સ્ટોરી સામે આવે છે જેને સાંભળ્યા બાદ કોઈપણ હેરાન રહી જાય અને આવી ખાસ લવ સ્ટોરીઓ ઇન્ટરનેટ પર પણ વાયરલ થતી હોય છે. ત્યારે હાલ એવા જ એક કપલની લવ સ્ટોરી પણ ખુબ જ ચર્ચામાં ચાલી રહી છે. તમે અત્યાર સુધી વામન વરરાજા અને કન્યાના લગ્નની ઘણી કહાનીઓ વાયરલ થતા જોઈ હશે પરંતુ ક્યારેય કોઈ વામન યુવક અને બરાબર હાઈટ વાળી છોકરીની લવસ્ટોરી જોઈ છે ? (Image Credti: James Lusted/instagram)
આજે અમે તમને એક એવા જ કપલ વિશે જણાવીશું. જેમાં યુવકની હાઈટ પત્ની કરતા 2 ફૂટ ઓછી છે પરંતુ તેની પત્ની સામાન્ય ઊંચાઈ વાળી છે. આપણે ત્યાં એમ પણ કહેવાય છે કે પ્રેમમાં બધું જ સંભવ છે. જો કોઈ વ્યક્તિના મનમાં કોઈના માટે પ્રેમભરી લાગણીઓ જન્મે છે, તે વ્યક્તિ ગમે તે હોય, હૃદય તેને સ્વીકારે છે. વાયરલ થઇ રહેલા આ યુગલ સાથે પણ એવું જ થયું. જે પણ તેમને પહેલીવાર જુએ છે તેને વિશ્વાસ નથી થતો કે આ બંને પતિ-પત્ની છે કારણ કે પતિની ઊંચાઈ બહુ ઓછી છે અને પત્નીની ઊંચાઈ ઘણી વધારે છે.
ખાસ વાત તો એ છે કે આ કપલે લવ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ આ કપલે મહત્તમ ઊંચાઈના તફાવતનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, આ કપલનું નામ જેમ્સ લસ્ટેડ અને ક્લો સામંથા લસ્ટેડ છે, જેમણે 2016માં લગ્ન કર્યા હતા. તે બંને નોર્થ વેલ્સ (યુકે)માં રહે છે અને બંનેનું ઘર એક જ છે. જેમ્સ 33 વર્ષનો છે જે એક અભિનેતા અને પ્રસ્તુતકર્તા છે. અને તેની પત્ની ક્લો એક શિક્ષિકા છે અને તે 29 વર્ષની છે.
2 જૂન, 2021ના રોજ બંનેએ પરિણીત યુગલ માટે સૌથી વધુ ઊંચાઈના તફાવતનો રેકોર્ડ બનાવ્યો. જેમ્સ 109.3 સેમી (3 ફૂટ 7 ઇંચ) ઊંચો છે અને તેની પત્ની ક્લો 166.1 સેમી (5 ફૂટ 5.4 ઇંચ) ઉંચી છે. બંને વચ્ચે 56.8 સેમી એટલે કે લગભગ 2 ફૂટ (1 ફૂટ, 10 ઇંચ)નો તફાવત છે. મીડિયા રિપોર્ટ અનુસાર જેમ્સ ડ્વાર્ફિઝમના એક દુર્લભ સ્વરૂપ ડાયસ્ટ્રોફિક ડિસપ્લેસિયાથી પીડિત છે, જે એક આનુવંશિક વિકાર છે. તે હાડકાં અને નર્વસ સિસ્ટમની વૃદ્ધિને અટકાવે છે.
તેના વામનવાદને કારણે, જેમ્સે વિચાર્યું કે તે ક્યારેય લગ્ન નહીં કરે, પરંતુ 2012માં જેમ્સ ક્લોને મળ્યો અને તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે વાત કરતાં ક્લોએ કહ્યું હતું કે, “મારી પસંદગી શરૂઆતથી જ ઊંચા લોકો હતી. પરંતુ જ્યારે હું જેમ્સને મળી ત્યારે હું તેના પ્રેમમાં પડી ગઈ. મને ખબર હતી કે લોકો અલગ-અલગ વાતો કરશે પરંતુ તેનો મારા પર કોઈ પ્રભાવ ના પડ્યો.
ક્લોએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે બંને એક સ્થાનિક ક્લબમાં મળ્યા હતા. હું તે સમયે અભ્યાસ કરતી હતી અને લાંબા અંતરના સંબંધોમાં સમસ્યાઓ આવવા લાગી. આખરે, 2013ના અંતમાં સાત મહિનાની ડેટિંગ પછી જેમ્સ મને તળાવ પર ફરવા લઈ ગયો અને તેણે મને તેના ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું. તે લાગણી મારા માટે ખૂબ જ સારી હતી. મેં પ્રસ્તાવ સ્વીકાર્યો અને લગ્ન કરી લીધા. આજે અમે બંને ખૂબ ખુશ છીએ.”