ખેડામાં ગમખ્વાર અકસ્માત : દર્શન કરી પરત ફરી રહેલ મિત્રોને નડ્યો અકસ્માત, ચાર મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

રાજયભરમાંથી છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતમાં ઘણા લોકો પોતાના જીવ ધુમાવતા હોય છે. ઘણીવાર તો એવું બને છે કે, અકસ્માતમાં ઘણીવાર આખે આખો પરિવાર હોમાઇ જતો હોય છે. ત્યારે હાલ ગુજરાતમાંથી એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 4 લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જયારે એક ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ અકસ્માત ખેડા જિલ્લાના કપડવંજ મોડાસા રોડ પર વહેલી સવારે સર્જાયો હતો, આઇસર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર મિત્રોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જયારે એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ અકસ્માતની પોલિસને જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

કપડવંજ ગ્રામ્ય પોલીસની હદમાં આવતા કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાસે શુક્રવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આઈસર ટ્રક નંબર RJ-06-GB-1433 અને કાર નંબર GJ-07-DA-8318 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ટ્રકચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો અને આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.

કારમાં 5 હોમગાર્ડ મિત્રો સવાર હતા, જેમાંથી 4 મિત્રોને ગંભીર ઇજા થતા તેઓનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ અને એક વ્યક્તિ જેની ઉંમર 29 વર્ષ છે તે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકો અનુસાર આ અકસ્માત ઓવરટેકને કારણે સર્જાયો હતો. કારમાં સવાર તમામ વ્યક્તિઓ કપડવંજ હોમગાર્ડ યુનિટમાં સર્વિસ કરે છે.

Shah Jina