બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાની ફિલ્મો સિવાય તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે. હવે તેણે પોતાના નવા ઘરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખૂબ જ સુંદર છે.
કંગનાએ મનાલીમાં પોતાનું બીજું ઘર બનાવ્યું છે અને તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમનું ઘર પહાડી શૈલીમાં બનેલું છે. ઘરની તસવીરો શેર કરતા કંગનાએ લખ્યું, ‘અહીં તે લોકો માટે કંઈક છે જેમને ડિઝાઈનનો શોખ છે, જેઓ પહાડોના આર્કિટેક્ચર વિશે ઉત્સુક છે જે સ્થાનિક પરંતુ પ્રાચીન અને પરંપરાગત છે.”
કંગના આગળ જણાવે છે કે, “મેં એક નવું ઘર બનાવ્યું છે જે મનાલીમાં મારા હાલના ઘરનું વિસ્તરણ છે. પરંતુ મેં આ ઘરને પર્વતીય શૈલીમાં રાખ્યું છે, તે નદીના પથ્થર, સ્થાનિક સ્લેટ અને લાકડાનું બનેલું છે. મેં ઘરમાં હિમાચલી પેઇન્ટિંગ, વણાટ, કાર્પેટ, ભરતકામ અને લાકડાના હસ્તકલા જેવી વસ્તુઓનો પણ સમાવેશ કર્યો છે.”
કંગનાએ આ સુંદર ઘરમાં એવી દિવાલ બનાવી છે જે હિમાચલને સમર્પિત છે. આ દિવાલ પર કંગનાના ઘરની તસવીરો લેનાર ફોટોગ્રાફરે લીધેલી તસવીરો છે. આ તસવીરોની ખાસિયત એ છે કે તે તમામ હિમાચલની છે. કંગનાના ઘરની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ સતત આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
કંગના રનૌતનું મનાલીમાં બીજું ઘર છે. અગાઉ તેણે મનાલીમાં બનાવેલું ઘર પણ ખૂબ જ સુંદર છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર ઘણી વખત શેર કરી છે. કંગનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેની ફિલ્મ ધકડ રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મની ઓપનિંગ પણ એક કરોડ રૂપિયાથી ઓછી હતી.
તેણે પોતાની આગામી પોલિટિકલ ડ્રામા ફિલ્મ ‘ઇમરજન્સી’ની તૈયારી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત તે ‘તેજસ’માં એરફોર્સ પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તે ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દીદ્દા’ અને ‘સીતાઃ ધ ઇન્કારનેશન’માં જોવા મળશે. તેણે હાલમાં જ તેના પ્રોડક્શન હાઉસ હેઠળની ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ પૂરી કરી છે જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર મુખ્ય ભૂમિકામાં છે.