‘સિંદૂરા’ અને ‘પ્રીતો’ જેવા યાદગાર પાત્રોથી દર્શકોના દિલમાં જગ્યા બનાવનાર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કામ્યા પંજાબીએ તાજેતરમાં કાસ્ટિંગ કાઉચના મુદ્દે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. કામ્યાએ ખૂબ જ સ્પષ્ટ અને બોલ્ડ રીતે પોતાના વિચારો શેર કર્યા, જેના કારણે આ નિવેદન સોશિયલ મીડિયામાં જંગલની આગની જેમ ફેલાઈ ગયું. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કાળો ચિઠ્ઠો સામે આવ્યા બાદ ઘણા કલાકારો યૌન શોષણની વાત કરી રહ્યા છે.
કેટલાક કહે છે કે આવું માત્ર મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દરેક જગ્યાએ થાય છે. ત્યારે આ દરમિયાન કામ્યા પંજાબીએ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને ટેકો આપ્યો અને કહ્યું કે ટીવી એ સૌથી સુરક્ષિત જગ્યા છે, જ્યાં કોઈનું શોષણ થતું નથી. કામ્યાએ કહ્યું, “ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી હંમેશાથી સાફ સુથરી રહી છે, મને ખબર નથી કે પહેલા શું થતું હતું પરંતુ હવે તે બરાબર છે. અહીં કોઈ ગંદકી નથી, લોકો અહીં બળજબરી કે બ્લેકમેલ નથી કરતા.
અહીં કોઈ કાસ્ટિંગ કાઉચ નથી. જો તમે રોલ માટે ફિટ છો, તમારામાં ટેલેન્ટ છે તો તમને શો માટે પસંદ કરવામાં આવશે. મને લાગે છે કે મનોરંજન ઉદ્યોગમાં ટીવી સૌથી સુરક્ષિત પ્લેસ છે. અહીં કોઈ જાતીય શોષણ નથી, જે પણ થાય છે તે પરસ્પર સહમતિથી થાય છે. કામના બદલામાં તમને તેમની સાથે સૂવા માટે કોઈ કહેતું નથી. કામ્યાએ કેટલાક એક્ટર્સને લઇને મોટી વાત કહી દીધી.
તેણે કહ્યું, “કેટલાક એક્ટર્સ વુમનાઇઝર હોય છે પરંતુ જો તમે તેમને રોકી દો, જો તમે તેમને ક્લિયર કરી દો તો આવી વસ્તુઓ નથી બનતી, કોઈ તમારા પર દબાણ ન કરી શકે. એવું નથી કે તમને હાથ લગાવવામાં આવે અને તમે અનકંફર્ટેબલ મહેસૂસ કરશો.જો તમે તેમને કહી દેશો કે હેલો મને આ બધું નથી ગમતું તો કોઇ તમને સ્પર્શ નહીં કરે. અમે એવા કલાકારોને જોયા છે કે જેઓ છોકરીઓ માટે પાગલ હોય છે, પરંતુ કોઈ પણ કોઇની સાથે જબરદસ્તી નથી કરતુ.
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં આવું થતું નથી. મને ફિલ્મો કે ઓટીટી વિશે ખબર નથી પરંતુ ટીવીમાં આવું થતું નથી. જણાવી દઈએ કે કામ્યા પંજાબી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે ‘અસ્તિત્વ એક પ્રેમ કહાની’, ‘બનૂં મેં તેરી દુલ્હન’, ‘રેત’, ‘પિયા કા ઘર’, ‘મર્યાદા: લેકિન કબ તક’ અને ‘ક્યૂં હોતા હૈ પ્યાર’ જેવી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. અભિનયની સાથે સાથે કામ્યા પંજાબી વર્ષ 2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી.