કલોલમાં પત્ની પર નજર રાખવા માટે ઘરમાં લગાવ્યા CCTV કેમેરા, દહેજ ભૂખ્યા પતિ સહિત સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે જાણી કોઇ પણ ચોંકી જાય. ત્યારે હાલમાં કલોકમાંથી એવો કિસ્સો સામે આવ્યો, જેમાં પતિએ પોતાની પત્ની પર નજર રાખવા ઘરમાં CCTV કેમેરા લગાવ્યા હતા. અમદાવાદના અસારવાની મહિલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે તેના પતિએ તેની પર નજર રાખવા ઘરમાં ચાર કેમેરા ફીટ કરાવ્યાં હતા. તે તેની દરેક હરકત પર નજર રાખતો અને મોબાઈલમાં લાઈવ ફીડિંગ પણ જોતો.
જો કે, મહિલાએ જ્યારે સીસીટીવી કેમેરાનો વિરોધ કર્યો તો પતિએ તેના પર હુમલો કર્યો અને પાંચ વર્ષની પુત્રી સાથે તેની છોડી દીધી. પ્રાપ્ત જાણકારી અનુસાર, ફરિયાદી મહિલાના પહેલા લગ્ન વર્ષ 2013માં રાજસ્થાનના એક વ્યક્તિ સાથે થયા હતા અને આ લગ્નથી તેને એક પુત્રી પણ છે. જો કે, વૈવાહિક વિખવાદને કારણે બંનેના છૂટાછેડા થયા બાદ તેણે નવેમ્બર 2022માં કલોલના એક યુવક સાથે લગ્ન કર્યાં.
મહિલાના બીજા પતિએ તેની પુત્રીને દત્તક લેવાનું અને પોતાનું માનીને ઉછેરવાનું વચન પણ આપ્યું હતું. જો કે, લગ્ન પછી તરત જ બીજા પતિએ પુત્રીને દત્તક લેવાની ના પાડી અને ઘરેલું મુદ્દાઓ પર તેની સાથએ ઝઘડો કરવાનું શરૂ કર્યું. આ પછી પતિએ તેના પર નજર રાખવા ઘરમાં ચાર સીસીટીવી કેમેરા લગાવડાવ્યા અને તે આના દ્વારા પત્ની પર નજર રાખતો. એટલું જ નહિ, અલગ રહેતા સાસુ સસરા પણ મોબાઈલમાં વહુની હરકતો પર નજર રાખતા. જ્યારે પણ સાસુ-સસરા ઘરમાં લાઈટ કે પંખા ચાલુ જોતા તો વહુને ઠપકો આપતાં.
ત્યારે આવી હરકતોથી કંટાળી મહિલા અસારવાના હરિપુરાામાં પોતાના પિયર આવી ગઇ અને કલોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી. ફરિયાદી મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ વહેમીલો છે અને તેને પત્ની પર અફેરની શંકાને કારણે દરેક રુમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. આ ઉપરાંત પતિએ પત્નીની પ્રાઈવેસીનો ભંગ કર્યો હોવાનું પણ ફરીયાદમાં કહેવામાં આવ્યું છે.