વ્યાજખોરોના ત્રાસથી પિતાને મુક્ત કરાવવા કલોલનો વર્ષિલ 65 લાખ ખર્ચી ગેરકાયદે અમેરિકા ગયો, જુઓ કેવી થઇ તેની હાલત

દીકરાને અમેરિકા મોકલવા પપ્પાએ 65 લાખ રુપિયા ઉછીના લીધા, પણ હવે અમેરિકા પહોંચી ગયેલો વર્ષિલ સાથે એવું એવું થયું કે….

આજ કાલ ઘણા લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગે છે અને તેઓ કોઇ પણ ભોગે વિદેશ પહોંચી મોટી કમાણી કરવા માગતા હોય છે જેને કારણે કેટલાક લોકો ઘણીવાર સીધો રસ્તો અપનાવવાને બદલે ઊંધો રસ્તો પણ અપનાવે છે. કેટલાક લોકો વિદેશ આર્થિક સ્થિતિને સુધારવા માટે તો કેટલાક વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હોય છે. ત્યારે કેટલાક લોકો જે ખોટી રીતે બ્લેકમાં વિદેશ જવાનો પ્રયાસ કરે છે અને તેઓ પકડાઇ જાય ત્યારે તેમની જે હાલત થાય છે તે તો તમે વિચારી જ શકો છે. કલોલનો વર્ષિલ ધોબી તેના પિતાને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્ત કરાવવા અને દેવામાંથી મુક્તિ અપાવવા 65 લાખનું દેવું કરી અમેરિકા ગયો પણ હાલ તે કઇ હાલતમાં છે અને ક્યાં છે તેની કોઇ જાણ નથી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

વર્ષિલના પિતા પંકજભાઈ કલોલમાં લોન્ડ્રીની દુકાન ચલાવે છે, તેમનો ભાઇ વર્ષ 2015માં 10 લાખનું દેવું કરી સ્પેન ભાગી ગયો પણ તેણે જે દેવું કર્યુ હતુ તે પંકજભાઈને ભરવાનું આવ્યું અને વ્યાજે રુપિયા આપનારા લોકો અવારનવાર ઘરે આવીને ઉઘરાણી કરતા અને ધમકીઓ પણ આપતા. ત્યારે વર્ષિલ પિતાને આમાંથી મુક્ત કરાવવા માગતો હતો અને એના માટે થઇને તેણે તેના જીવનનું સૌથી મોટું પગલુ ભરવાનું નક્કી કર્યું. વર્ષ 2021માં જ્યારે વર્ષિલનો એક મિત્ર ગેરકાયદે રીતે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેણે વર્ષિલને પણ વાત કરી અને નસીબ અજમાવવા કહ્યું. મિત્રની વાત સાંભળી વર્ષિલને પણ લાગ્યું કે ભારતમાં રહીને તે ક્યારેય એટલું નહીં કમાઈ શકે અને તેના પિતાને દેવામાંથી નહિ બહાર કાઢી શકે.

જેથી તેણે અમેરિકા જઈને ત્યાં મહેનત મજૂરી કરી મોટી કમાણી થશે તેવો વિચાર કર્યો અને ત્યાં જવાનું પણ નક્કી કર્યુ. તેણે તેના પિતાને આ અંગે વાત પણ કરી અને પરિવાર પણ સંમત થયો. વર્ષિલના પિતા નહોતા ઈચ્છતા કે દીકરો તેમનાથી દૂર જાય પણ તેમની કમાણીનો મોટોભાગ ભાઈએ કરેલ દેવાને ચૂકવવામાં જતો હોવાથી તેઓ વર્ષિલને અમેરિકા જતા રોકી શક્યા નહિ. પરિવારજનો તૈયાર થતા વર્ષિલને અમેરિકા મોકલી શકે એવા એજન્ટની શોધખોળ શરુ કરવામાં આવી અને કલોલમાં આ કામ માટે એજન્ટ શોધવો મુશ્કેલ નહોતો. વર્ષિલના પિતા ભાવેશ પટેલ નામના એજન્ટને મળ્યા અને તેણે 65 લાખમાં વર્ષિલને અમેરિકા પહોંચાડવાની વાત કરી.

જો કે, આ કામ માટે તેણે પહેલા 30 લાખ એડવાન્સ માગ્યા. વર્ષિલના પિતાએ આ માટે મિત્રો અને સંબંધીઓ પાસે મદદ માગી અને વર્ષિલ અમેરિકા પહોંચીને વ્યાજ સાથે દેવું ચૂકતે કરશે તેવી ખાતરી મળતા લોકોએ તેમને પૈસા પણ આપ્યા. 30 લાખ એડવાન્સ મળતા જ એજન્ટે પણ વર્ષિલની ફાઈલ બનાવવાનું શરુ કર્યુ અને 21 વર્ષિય વર્ષિલને કેનેડાના રુટ પરથી અમેરિકામાં ઘૂસાડવાનું નક્કી થયું. તેનું પહેલા કોઇ કેનેડાની કોલેજમાં એડમિશન કરાવવાનું હતું અને પછી સ્ટૂડન્ટ વિઝા પર તેને કેનેડા મોકલવાનો હતો. વર્ષિલ ભણવામાં ખાસ કંઈ હતો નહીં પણ એજન્ટે દસમા ધોરણથી લઈને બધી માર્કશીટ અને નકલી સર્ટિફિકેટ તૈયાર કરી તેનું નકલી IELTS સર્ટિફિકેટ પણ તૈયાર કર્યુ

અને ઈંગ્લિશની એક લાઈન પણ સરખી ના બોલી શકતા વર્ષિલને 8 બેન્ડ આવ્યા હોવાનું દર્શાવાયું. એજન્ટની ફાઇલ અને વર્ષિલના નસીબથી તેને કેનેડાના ઓન્ટારિયોમાં આવેલી લોયાલિસ્ટ કોલેજમાં એડમિશન તો મળી ગયું અને થોડા સમયમાં તેના વિઝા પણ આવી ગયા. વર્ષિલને એજન્ટનું સિગ્નલ મળતાં જ તે ફ્લાઈટ પકડીને કેનેડા પહોંચ્યો. અમેરિકા જઈ રહેલા એક ગ્રુપ સાથે ટોરેન્ટો જતી ફ્લાઈટમાં તેને બેસાડાયો અને સુરક્ષિત રીતે તે કેનેડા પહોંચ્યો. જો કે તેને જે કોલેજમાં એડમિશન મળ્યું તે કોલેજને તે જોવા ન ગયો કારણકે તેનો પ્લાન તો કેનેડામાં રોકાવાનો નહીં પણ જલ્દીથી અમેરિકા પહોંચવાનો હતો.

વર્ષિલને કલોલ અને ગાંધીનગરના કુલ 11 લોકોના એક ગ્રુપ સાથે કેનેડાની બોર્ડર ક્રોસ કરાવીને અમેરિકામાં ઘૂસાડવાનો હતો અને આ જ ગ્રુપમાં કલોલના ડિંગુચા ગામના જગદીશ પટેલ અને તેમનો પરિવાર હતો. 19 જાન્યુઆરી 2022ના રોજ માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં આ તમામ 11 લોકોને અમેરિકાની બોર્ડર તરફ પગપાળા રવાના થયા અને રાતના ઘનઘોર અંધારામાં તેમને આગળ કંઈ ન દેખાતું હોવા છતાં એજન્ટના કહ્યા અનુસાર તેઓ ચાલી રહ્યા હતા. હાડ થીજવતી ઠંડીમાં આ 11 લોકો અમેરિકા પહોંચવાના હતા. આ દરમિયાન જગદીશ પટેલ અને તેમનો પરિવાર વિખૂટા પડી ગયા પણ બીજા લોકો પાસે તેમને શોધવાનો કે તેમની રાહ જોવાનો સમય નહોતો.

વર્ષિલ અને તેની સાથે રહેલા સાત લોકો બોર્ડર ક્રોસ કરી અમેરિકાની હદમાં પ્રવેશ્યા પણ બધા જ પોલીસના હાથે પકડાઈ ગયા અને વર્ષિલની બેગમાં તપાસ કરતા પોલીસને ડાયપર, રમકડાં તેમજ કેટલીક દવાઓ મળી આવી અને પોલિસે સવાલ કર્યો તો તેણે કહ્યુ કે, તેમની સાથે બે નાના બાળકોનું એક ફેમિલી હતું. જોકે, રાતના અંધારામાં ચાર લોકોનું આ ફેમિલી ક્યાં ગાયબ થઈ ગયું તેની વર્ષિલને કોઈ જાણ નહોતી. વર્ષિલની આ વાત બાદ તપાસ કરવામાં આવી તો જગદીશ પટેલ સહિત તેમના આખા પરિવારની થીજી ગયેલી લાશ મળી આવી.

જાન્યુઆરી 2022માં અમેરિકાની પોલીસના હાથે ઝડપાયેલો વર્ષિલ હજુય અમેરિકામાં જ છે. તેને મોકલનારા એજન્ટોએ તેના પિતાને આશ્વાસન આપ્યું છે કે તેઓ વર્ષિલને છોડાવી લેશે. જણાવી દઇએ કે, છેલ્લે વર્ષિલ શિકાગોમાં ટ્રેસ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસે વર્ષિલ વિરુદ્ધ ઓક્ટોબર 2022માં ફરિયાદ નોંધી અને તેના પર નકલી દસ્તાવેજો તૈયાર કરવાનો અને ગુનાહિત કાવતરું રચવાનો આરોપ છે. જો તેને ડિપોર્ટ કરાયો તો તેને અહીં આવતા જ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Shah Jina