જૂનાગઢના PSI પરમાર સાહેબનું લીંબડી પાસે અચાનક થયું દુઃખદ નિધન, પોલીસ બેડામાં છવાયો માતમ…
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આવા અકસ્માતના કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે, જેમાં એક PSIને રાજકોટ લીંબડી હાઇવે પર સાયલા નજીક અકસ્માત નડ્યો હતો અને તેના કારણે પીએસઆઇનું મોત નીપજ્યું હતું. પીએસઆઇના આમ અકાળે મોતના કારણે પોલીસ બેડામાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, જુનગઢમાં ફરજ બજાવતા PSI એ.કે. પરમાર સાયબર ક્રાઇમની ટ્રેનિંગ લેવા માટે ગાંધીનગરમાં હતા. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તે પોતાની કારમાં પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર સાયલા નજીક તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં પીએસઆઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ લોકોના ટોળા ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. પોલીસને જાણ કરતા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે પોલીસે પીએસઆઇ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ એ તપાસમાં પણ લાગી છે કે આખરે આ અકસ્માત કેવી રીતે સર્જાયો. પીએસઆઇ પરમાર છેલ્લા 3 દિવસથી તાલીમમાં હતા અને તાલીમ પૂર્ણ થયા બાદ પોતાના ઘરે જતા હતા.
આ ઘટનાની જાણ થતા જ તેમની સાથે તાલીમ લેતા પોલીસકર્મીઓને પણ આઘાત લાગ્યો છે. PSI પરમાર પોતાની સફેદ રંગની હ્યુન્ડાઇ આઈ 20 કાર લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ તેમનું બેલેન્સ બગડ્યું અને કાર જબરદસ્ત રીતે ડિવાઈડર સાથે ભટકાઈ હતી. જેમાં ગાડીનો આગળનો ભાગ પણ કચ્ચરઘાણ વળી ગયો હતો અને આ ગમખ્વાર અકસ્માતમાં પીએસઆઇ પરમાર કાળનો કોળિયો બની ગયા.