ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જૂનાગઢમાંથી એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લગ્નના 25 દિવસમાં જ એક યુવકે દવા ગટગટાવી આપઘાત કરી લીધો. લગ્નના થોડા દિવસોમાં જ પત્ની પિયરમાં ચાલી ગઇ અને મનાવવા છતાં પણ પાછી ન આવતા તેમજ યુવકને ઘર જમાઈ બનવા માટે દબાણ કરવાને કારણે યુવકે આ પગલું ભર્યું હોવાનું કહેવાઇ રહ્યુ છે. યુવકે આપઘાત પહેલા સુસાઈડ નોટ લખી હતી અને એક વીડિયો પણ બનાવ્યો.

જેમાં તેણે કહ્યું કે, ‘આ છોકરીએ અને એના મામાએ મારી જિંદગી બગાડી છે એને સજા નહીં મળે ત્યા સુધી મારી આત્મા ભટકશે. આ મામલે હાલ પોલીસે સુસાઈડ નોટ અને વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. મૃતક પિયુષ ગોહિલે આપઘાત પહેલા પાંચ મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે પત્ની અને પત્નીના મામા વિજય દુર્લભજીભાઈ સોલંકી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. વીડિયોમાં પિયુષે જણાવ્યું હતું કે, તેણે એક મોટું પગલું ભર્યું છે અને તે માટે કોઈ જવાબદાર છે, તો તે છે તેની પત્ની અને તેનો મામો.

રડતા રડતા યુવકે પોતાની આપવીતી જણાવી હતી. તેણે કહ્યુ- મારી પત્ની ચાંદની તેના મામાનું જ કહેવું માને છે, જેના કારણે મારી જિંદગી બરબાદ થઈ છે. અન્ય યુવકો સાથે આવી ઘટના ન બને તે માટે મારો આ વીડિયો પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચે. એને સજા મળવી જોઈએ ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે ત્યા સુધી નહીં મળે. હું એવો કોઈ લફરાબાજ છોકરો નથી, તો પણ મારી જિંદગી બરબાર થઈ ગઈ છે. અમે સમાધાન કરવા ગયા ત્યારે પણ તેના મામાએ મારી પત્નીને મોકલવાની ના કહી દીધી હતી. હું એ છોકરીને ગમતો જ ન હતો.

લગ્નના થોડા દિવસોમાં મારી પત્ની ચાંદની મને ત્યા રહેવા માટે મજબૂર કરતી હતી. એમ કહેતી કે મને ત્યા તમારા ઘરે નથી ફાવતું. તમારા મમ્મી સાથે અને તમારા બહેન સાથે મને ત્યા ફાવતું નથી. હું મારા સગા વ્હાલાઓને વિનંતી કરૂ છું કે, મારા માતા-પિતાને સાચવજો.વધુમાં કહ્યું કે, મારી જિંદગીમાં એણે કલંક લગાવ્યો છે. આ વીડિયોને મોદી સાહેબ સુધી પહોંચાડજો, જેથી બીજા કોઈ છોકરા સાથે આવુ ન થાય. બધા છોકરા ખોટા ન હોય. આ મામા અને ભાણજીને સખતમાં સખત સજા થવી જોઈએ. તો જ મારી આત્માને શાંતિ થશે.

પરિવારજનોને અપીલ કરી છે કે, એ પત્ર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. મૃતકના નાનાભાઈએ જણાવ્યું કે, હજુ તો 8 તારીખે જ તેના ભાઈના લગ્ન થયા હતા અને થોડા દિવસો પછી ભાભીને તેડી ગયા બાદ ત્યા બોલાવ્યા. ભાભીને ઘરે આવવા માટે સમજાવ્યાં પણ તેઓ ના માન્યા. જો કે છેલ્લે ભાભીએ ભાઈને કહ્યું કે, તું અહિં જેતપુરમાં ઘર જમાઈ બનીને રહેવા આવી જા તો જ હું તારી સાથે સંબંધ રાખીશ નહીતર હું છુટ્ટાછેડા આપી દઈશ.